ટંકારાના મિતાણામાં રાહદારી યુવકને બોલેરો ચાલકે ઉલાળતાં મૃત્યુ
ટંકારાના મિતાણા ગામે ખેત મજૂરી કરતો યુવાન ચાલીને કરીયાણું લેવા જતો હતો. ત્યારે બોલેરો ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ટંકારાના મિતાણામાં ખેત મજૂરી કરતો સુરપાલ ભાવસિંગ નાય નામનો 35 વર્ષનો યુવાન મિતાણા ગામે આવેલા નેકનામ રોડ ઉપર ચાલીને જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા બોલેરોના ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ દાહોદ પંથકનો વતની હતો. અને અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. કરીયાણું લેવા જતો હતો. ત્યારે બોલેરો ચાલકે ઉલાળતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ઉપલેટામાં રહેતા વિરમ રાજભાઈ ચંદ્રવાડીયા નામનો 42 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે પોતાની વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં વિરમ ચંદ્રવાડીયાએ પગના દુખાવાથી કંટાળી ઝેર પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.