વરસાદમાં પોલીસની 50 પીસીઆર વાન ખોટવાઈ જતાં પેટ્રોલિંગ બંધ
ભારે વરસાદના કારણે ડીઝલમાં પાણી ભળી ગયુું, નવા ઇજ-6 એન્જિનમાં પાણી ઘૂસી જવાની પણ સમસ્યા, હવે બાઈક ઉપર પેટ્રોલિંગ
ભારે વરસાદના કારણે રાજકોટ શહેરમાં જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ભારે વરસાદ બાદ રાજકોટવાસીઓના વાહનો બંધ પડી ગયા છે ત્યારે વરસાદના કારણે રાજકોટ શહેર પોલીસના વાહનોને પણ ગેરેજમાં મુકવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદમાં પાણી ઘુસી જવાના કારણે પેટ્રોલીંગ કરતી શહેર પોલીસની 50 જેટલી પીસીઆર વાન બંધ પડી જતાં આ બંધ પડેલી પીસીઆર વાનને એમ.ટી.વિભાગ અને ખાનગી કંપનીના ગેરેજમાં રિપેરીંગ માટે મુકવામાં આવી છે. એક સાથે 50 પીએસઆર બંધ પડી જતાં પોલીસનું પેટ્રોલીંગનું છેલ્લા 3 દિવસથી બંધ થઈ ગયું છે. જેના કારણે પોલીસને હવે મોટર સાઈકલ ઉપર પેટ્રોલીંગ કરવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેરમાં આજે બનેલા ચોરીના આ બનાવોમાં પીસીઆર વાન બંધ થતાં પેટ્રોલીંગ બંધ થવાથી તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હોય અને આ ચોરીના બનાવો બન્યા છે.
રાજકોટ શહેર પોલીસને બી.એસ.-6 એન્જીન વાળી પીસીઆર વાન પેટ્રોલીંગ માટે ફાળવવામાં આવી છે. રાજકોટ શહેરનાં તમામ પોલીસ મથકમાં બે બે પીસીઆર ફાળવવામાં આવી હોય આ પીસીઆર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરે છે. છેલ્લા ચાર દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે વરસાદના પાણી પીસીઆરમાં ઘુસી જતાં આ બી-એ-6 એન્જીનમાં પાણી જવાથી પીસીઆર વાનમાં યાંત્રિક ખામી સર્જાઈ છે. રાજકોટ શહેરની એક બે નહીં પણ આશરે 50 જેટલી પીસીઆર છેલ્લા 4 દિવસથી બંધ પડી જતાં તેની અસર પોલીસ પેટ્રોલીંગ ઉપર જોવા મળી રહી છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલ પોલીસ મોટર સાઈકલ ઉપર પોતાના ખર્ચે પેટ્રોલીંગ કરી રહી છે જો કે મહત્વની વાત એ છે કે જે તે વિભાગ દ્વારા પીસીઆર વાનને રિપેરીંગ કરાવવા માટે પોલીસ હેડ કવાર્ટરના એમ.ટી.વિભાગ અને ગોંડલ રોડ પર આવેલા એક ખાનગી ગેરેજમાં મુકવામાં આવી છે. જો કે રીપેરીંગ માટે હજુ બે દિવસ જેટલો સમય લાગશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. એક સાથે 50 પીસીઆર વાન ખોટવાઈ જવાથી પોલીસનું પેટ્રોલીંગ મદ પડી ગયું છે અને તેની સીધી અસર શહેરના ગુનાખોરી ઉપર જોવા મળી રહી છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે હાલ પોલીસની પીસીઆરમાં જે બી-એસ-6 એન્જીન છે તે એન્જીનમાં પાણી જવાને કારણે આ ખામી સર્જાઈ છે. તેમજ પેટ્રોલ પંપમાં ડીઝલ સાથે પાણી ભળી જવાના કારણે કેટલીક પીસીઆર વાનમાં આ પાણી મિશ્રીત ડીઝલ ભરાવવાના કારણે પણ યાંત્રિક ખામી સર્જાઈ છે. કોઈપણ ઘટના સ્થળે ઝડપથી પહોંચવા માટે પીસીઆર વાનનો ઉપયોગ કરવામાં આવે છે.