For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડના રાજડા ગામમાં દેશ પ્રેમ છલકાયો, નિવૃત્ત જવાનનું ભવ્ય સ્વાગત

11:29 AM Oct 03, 2025 IST | Bhumika
કાલાવડના રાજડા ગામમાં દેશ પ્રેમ છલકાયો  નિવૃત્ત જવાનનું ભવ્ય સ્વાગત

સરહદ પર ફરજ બજાવતા વીર જવાન પંકજભાઇ દોંગા 17 વર્ષ સરહદ પર સેવા આપી માદરે વતન પરત ફરતા ગામ હિલોળે ચડ્યુું

Advertisement

કાલાવડ તાલુકાના રાજડા ગામે તા. 1 ઓક્ટોબર ને બુધવારે બપોરે 3:00 કલાકે ગામના ગૌરવ અને ભારત માતાના વીર સપૂત પંકજભાઈ પરસોતમભાઈ દોંગાનું ભવ્ય સ્વાગત તથા સન્માન સમારોહનું આયોજન ભવ્યાતિભવ્ય રીતે કરાયું હતું.
રાજડા ગામના વતની વીર સપૂત છેલ્લા 17 વર્ષથી ભારતીય સેનામાં અવિરત સેવા આપી રહ્યા છે. કઠોર પરિસ્થિતિઓમાં પણ દેશની સરહદો પર સચેત રહી વતનનું નામ રોશન કરનાર આ જવાન જ્યારે પોતાના વતન પરત ફર્યા, ત્યારે સમગ્ર રાજડા ગામે ગૌરવ અને ઉત્સાહની લાગણી સાથે તેમનું ઐતિહાસિક વધામણું કર્યું હતું.

ગામના પ્રવેશદ્વારેથી જ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકાવા ગામથી રાજડા સુધીની આ શોભાયાત્રામાં યુવાનો, વડીલો, મહિલાઓ અને નાના બાળકો સક્રિય રીતે જોડાયા હતા. માર્ગ પર દેશભક્તિના ગીતો ગવાયા હતા, અને ભારત માતા કી જય ના નારા ગુંજ્યા હતા, ઉપરાંત ચોમેર તિરંગાના ધ્વજ લહેરાતાં દેશભક્તિનો અદભૂત માહોલ સર્જાયો હતો. પ્રત્યેક સ્થળે ગ્રામજનો દ્વારા ફૂલમાળા પહેરાવી પંકજભાઈ દોંગાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

શોભાયાત્રા બાદ યોજાયેલા સન્માન સમારોહમાં ગામના સરપંચ અશ્વિનભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે આજે રાજડા ગામમાં સાચા અર્થમાં ગૌરવનો દિવસ આવ્યો છે. ગામનો વીર સપૂત 17 વર્ષ સુધી ભારતીય સેનામાં રહી માતૃભૂમિની સેવા કરી રહ્યો છે, તે સમગ્ર ગામ માટે પ્રેરણારૂૂપ છે. આવા વીર જવાનો જ આપણા દેશના સાચા આદર્શ છે.

આ પ્રસંગે તાલુકા તથા જિલ્લાના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. તેમા તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ વિરડીયા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ગાંડુભાઈ ડાંગરીયા, નિકાવાના સરપંચ રાજુભાઈ મારવિયા, નવજીવન વિદ્યાલયના સંચાલક હિરેનભાઈ દોંગા, વિશાલભાઈ રામાણી, જિલ્લા પંચાયત સદસ્ય જે.પી. મારવીયા, તાલુકા પંચાયત સદસ્ય રાઘવજીભાઈ તાળા, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી છગનભાઈ સોરઠીયા, બક્ષીપંચ મોરચા જીલ્લા ભાજપ મંત્રી લાલજીભાઈ ટોયટા, નિકાવા ના ઉપસરપંચ મનસુખભાઈ ગમઢા, બાબુભાઈ ટીંબડીયા, જેન્તિભાઈ મેનપરા, જીગ્નેશભાઈ કમાણી, બેડીયા સરપંચ નિલેશભાઈ કોટડીયા, રાજડા સરપંચ અશ્વિનભાઈ સોજીત્રા, તેમજ સ્થાનિક આગેવાનો, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગામના રસ્તાઓ પર તિરંગાના રંગો છવાઈ ગયા હતા. લોકોના હાથમાં ધ્વજ, મોઢે દેશપ્રેમના નારા અને દિલમાં વીર સપૂત પ્રત્યેનું ગર્વ, વગેરેએ સમગ્ર વાતાવરણને અનોખું બનાવ્યું હતું. સમારોહના અંતે ગામજનોએ એકસ્વરે વંદે માતરમ ના જયઘોષ સાથે ભારતીય સેનાને સલામી આપી હતી.
આવી ભવ્ય ઉજવણી દ્વારા રાજડા ગામે ફરી એકવાર સાબિત કર્યું કે દેશના જવાનોનું ગૌરવપૂર્વક સન્માન કરવું એ આપણા સૌનું કર્તવ્ય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement