મહાપાલિકાઓના સુકાનીઓના ક્લાસ લેતા પાટીલ
- આંતરિક સંકલન જાળવી સમાંતર વિકાસ જાળવવા મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનોને સૂચના
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે તૈયારીઓ પુરજોશમાં આરંભી દીધી છે અને તમામ 26 બેઠક પાંચ લાખથી વધુના માર્જીનથી જીતવા માટે સમગ્ર હાઈકમાન્ડ સતત વ્યુરચના બનાવવામાં વ્યસ્ત છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજ્યની છ મુખ્ય મહાનગરપાલિકાઓના મેયર અને સ્ટેન્ડીંગ કમીટીઓના ચેરમેનોના કલાસ લીધા હતાં અને આગામી ચૂંટણી પૂર્વે લોકોના કામોમાં કોઈ કચાસ રહે નહીં તે માટે સુચનાઓ આપી તમામ મહાનગરપાલિકાઓ વચ્ચે આંતરીક સંકલન જાળવી સમાંતર વિકાસ થાય તે માટે આયોજન ઘડી કાઢવા ટીપ્સ આપી હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટ ઉપરાંત જામનગર, ભાવનગર, અમદાવાદ, સુરત અને બરોડા મહાનગરપાલિકાઓના વર્તમાન મેયર- સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તેમજ પૂર્વ મેયર અને ચેરમેનોની બેઠક યોજી હતી. આ બેઠકમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના નિષ્ણાંતોની હાજરીમાં મહાનગરપાલિકાના ઠરાવો કેવી રીતે કરવા ? તેમજ દાયકાઓ જુના ઠરાવોમાં ફેરફાર કરી નવેસરથી ઠરાવો કરવા સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ ટેકનીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તમામ મહાનગરપાલિકાઓમાં સંકલન જળવાઈ રહે તે માટે દરેક મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડીંગ કમીટીઓના ચેરમેનોનું કોર ગ્રુપ બનાવી તેમાં વિવિધ વિકાસ કામો સહિતના થતાં ઠરાવો અંગે ચર્ચા કરવા તેમજ દર મહિને સ્ટેન્ડીંગ કમીટીઓના ચેરમેનો અને મેયરોની એક બેઠક યોજી મહાનગરપાલિકાઓ દ્વારા થયેલા સારા કામોની સમીક્ષા કરવા તથા એક બીજા શહેરોના સમાંતર વિકાસ માટે સારી યોજનાઓની આપ-લે કરવા સુચના આપી હતી.
આ બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા તેમ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જૈમીન ઠાકર તથા પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતાં અને રાજકોટ મહાનગરપાલિકામાં નવી બોડી આવ્યા બાદ થયેલા વિકાસ કામો તેમજ વિવિધ ઠરાવો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.