For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલમાં બે નર્સ ઉપર દર્દીના પરિવારનો હુમલો, સ્ટાફમાં આક્રોશ

03:50 PM Dec 04, 2024 IST | Bhumika
સિવિલમાં બે નર્સ ઉપર દર્દીના પરિવારનો હુમલો  સ્ટાફમાં આક્રોશ
Advertisement

રાજકોટની સિવિલ હોસ્પીટલમાં અવાર-નવાર દર્દીના પરિવારજનો અને ડોકટર કે નર્સ વચ્ચે માથાકુટના બનાવો સામે આવતા રહે છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. વોર્ડ નં.10માં દાખલ દર્દીના પરિવારજનો અન્ય દર્દીને માર મારતા હોવાથી વોર્ડમાં હાજર બે નર્સ વચ્ચે પડતા દર્દીના પરિવારજનો દ્વારા બન્ને નર્સ ઉપર હુમલો કર્યો હતો. જે બનાવને લઇ નર્સીંગ સ્ટાફમાં આક્રોશ ફેલાયો હતો. અને સિવિલ સર્જનને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુન. બીજી તરફ હુમલાનો મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે માથાકુટ કરનાર વિરૂધ્ધ અટકાયતી પગલા લીધા હતા.

જાણવા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પીટલમાં ઇમજરન્સી વિભાગની ઉપર આવેલા વોર્ડ નં.10માં અબ્બાસભાઇ હારૂનભાઇ (ઉ.વ.54) અને બેડીનાકા ટાવર પાસે રહેતો દિપાંકર (ઉ.વ.34) નામના બે દર્દી દાખલ હતા. દરમિયાન દર્દી અબ્બાસભાઇના પરિવારજનો અન્ય દર્દી દિપાંકરને મારતા હોય જેથી વોર્ડમાં ફરજ પર હાજર બે નર્સ વચ્ચે પડી સમજાવતા હતા ત્યારે અબ્બાસભાઇના પરિવારજનો દ્વારા બન્ને નર્સ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એક નર્સનું માથું દિવાલમાં અથડાવ્યું હતું. દર્દીના પરિવારજનો દ્વારા નર્સ ઉપર હુમલાનો મામલો પ્ર.નગર પોલીસ મથકે પહોંચતા પોલીસે માથાકુટ કરનાર એક શખ્સ વિરૂધ્ધ અટકાયતી પગલા લીધા હતા. જયારે અન્ય બે મહીલાઓને બોલાવવામાં આવી હતી.

Advertisement

બીજી તરફ હુમલાની ઘટનાને લઇ નર્સીંગ સ્ટાફમાં આક્રોશ ફેલાયો હતો. નર્સીંગ સ્ટાફ દ્વારા સિવિલ સર્જન ડો.મોનાલી માંકડીયાને આવેદન પત્ર પાઠવી નર્સિંગ સ્ટાફની સુરક્ષાની માંગણી કરી હતી.સિવિલમાં સિકયુરીટી અને એકસ આર્મીમેનને સુરક્ષાની જવાબદારી સોંપી લાખોનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં અવાર- નવાર તબીબો અને નર્સીંગ સ્ટાફ ઉપર હુમલાના બનાવો બનતા હોવાથી સિકયુરીટી સામે સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement