જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની અછતથી દર્દીઓ હેરાન
ફરજ બજાવતા તબીબો પર કામનું ભારણ: ખાલી જગ્યાઓ પર તબીબોની નિમણુંક કરાવવા સ્થાનિક નેતાગીરી જાગશે?
જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવે છે, પરંતુ અહીં ખાટલે મોટી ખોડ એ છે કે, તબીબોની સંખ્યા પર્યાપ્ત નથી, જેને કારણે ફરજો બજાવતાં તબીબો પર ખૂબ જ વર્કલોડ રહે છે, જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની ભારે અછત સર્જાઈ છે. જ્યાં સર્જરી વિભાગ મા એક સમયે 22 તબીબો હતા ત્યાં હાલ માત્ર 8 તબીબો જ કામ કરી રહ્યા છે. આથી આ વિભાગમાં કામનું ભારણ વધી ગયું છે અને દર્દીઓને સારવાર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. ઓપરેશન પેન્ડિંગ રહેવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તબીબોની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર અને સ્થાનિક નેતાગીરી પાસે લોકો માંગ કરી રહ્યા છે. સર્જરી વિભાગ હોસ્પિટલનું અતિ મહત્વનું અંગ છે અને અહીં તબીબોની અછતને કારણે દર્દીઓનું જીવન જોખમમાં મુકાઈ શકે છે.
બીજી તરફ અપૂરતા તબીબોને લીધે હજારો દર્દીઓની પ્રાથમિક સારવાર, ઇમર્જન્સી સેવાઓ, ક્રિટિકલ કન્ડિશન દરમિયાન સર્જરી, ઓપરેશન સહિતના કામોમાં એટલે કે સારવારમાં ભારે વિલંબ થઈ રહ્યો હોય, સરકારે તબીબોની ખાલી જગ્યાઓ ભરવા તાકીદે ધ્યાન આપવું જોઇએ એવી લોકલાગણી વ્યક્ત થઈ રહી છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની મોટી ઘટ છે.
સરકારે કેટલાંક ખાનગી તબીબોને અહીં કોન્ટ્રેક્ટ પર રાખ્યા હતાં અને એક તબક્કે આ સર્જરી વિભાગમાં તબીબોની સંખ્યા 22 હતી, જે આજે ઘટીને લગભગ ત્રીજા ભાગની થઈ ગઈ છે, હાલ સર્જરી વિભાગમાં માત્ર 8 જ તબીબો કાયમી ફરજ પર છે. 22 પૈકી 14 તબીબ જતાં રહ્યા છે. જે પૈકી અમુક ખાનગી તબીબોના કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયા છે અને ફરી આ કોન્ટ્રેક્ટ રિન્યુ નથી થયા. અમુક તબીબોને આ નોકરી પસંદ ન આવી હોય, જતાં રહ્યા છે. ખાલી જગ્યાઓ પર નવા 14 તબીબોની નિયુક્તિ આજની તારીખે થવા પામી નથી, જેથી હાલના કાર્યરત 8 તબીબોએ 22 તબીબોની જવાબદારીઓ વહન કરવી પડી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સર્જરી વિભાગ કોઈ પણ હોસ્પિટલ માટે અતિ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિભાગ હોય છે. જેમના ઓપરેશન ફરજિયાત રીતે કરવા જ પડે એવા દર્દીઓ આ વિભાગમાં સતત આવતાં હોય છે. ઘણાં બધાં પ્રકારના અકસ્માતોમાં ભાંગતૂટ થયેલાં કેસ આવતાં હોય, મારામારીમાં ઘવાયેલા સેંકડો દર્દીઓ આવતાં હોય, આ ઉપરાંત વિવિધ રોગોને કારણે શરીરના જુદાં જુદાં અંગોની સર્જરી કરવાની હોય એવા પણ ઘણાં દર્દીઓ આ વિભાગમાં હોય છે અને સતત આવતાં પણ હોય છે.
જેને કારણે આ વિભાગમાં તબીબો સતત વ્યસ્ત રહેતાં હોય, એમાં પણ જ્યાં 22 ની જગ્યાએ માત્ર 8 તબીબો પર બધી જ જવાબદારીઓ હોય ત્યાં કલ્પના કરો, તબીબોની શારીરિક અને માનસિક હાલત કેવી થઈ જાય ! અને, સતત દબાણ હેઠળ કામ કરતાં આ તબીબોના સેંકડો દર્દીઓએ કેટલી દુવિધાઓમાંથી પસાર થવું પડતું હશે ?! રાજ્યના આરોગ્ય વિભાગે તાકીદે યોગ્ય કરવું જોઈએ અને સ્થાનિક નેતાગીરીએ પણ આ બાબતે સંવેદનશીલતાનો પરિચય કરાવવો જોઈએ એવી વેદનાઓ આ વિભાગની દીવાલો વચ્ચે કણસી રહી છે અને ઈચ્છી રહી છે.