મોરબીને જોડતા તમામ મુખ્ય ધોરીમાર્ગ પર પેચવર્કની તાતી જરૂરી
રાજકોટ-મોરબી રોડ ઊંટની પીઠ જેવા બની જતા વાહનચાલકો ત્રાહિમામ
અત્યંત ખરાબ હાલત સામે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને કોંગ્રેસના અગ્રણી નેતા મહેશ રાજકોટીયાએ ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે ગુજરાત સરકાર, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, મોરબી જિલ્લા કલેકટર અને એસપીને પત્ર લખીને તાત્કાલિક હાઈવેનું રિપેરિંગ અને રિસરફેસિંગ (પેવરવર્ક) કરવાની માંગ કરી છે.
મહેશ રાજકોટીયાએ પત્રમાં જણાવ્યું કે આ ધમધમતો હાઈવે છેલ્લા લાંબા સમયથી ઠેર-ઠેર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે ખરાબ માર્ગના કારણે અકસ્માતોમાં માનવજીવન અકાળે સમાપ્ત થાય છે અને વાહનોને મોટું નુકસાન થાય છે, જેનાથી પ્રજાનું તન, મન અને ધન વેડફાય છે.
તેમણે ટંકારાથી મોરબી તરફના હાઇવેની હાલત પર ખાસ ધ્યાન દોરતા કહ્યું કે તે પુન: રિપેરિંગના નામે મારવામાં આવેલા થીંગડાને કારણે ઊંટની પીઠ જેવો કષ્ટદાયક બની ગયો છે, જેનાથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમણે સરકાર પર પબહેરી-મૂંગીથ હોવાનો અને વિકાસના સૂત્રો માત્ર ગણગણવા પૂરતા જ હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પૂર્વ સદસ્ય મહેશ રાજકોટીયાએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 15 દિવસમાં હાઈવે રિસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો તેઓ સ્થાનિક લોકો અને ખેડૂતોને સાથે રાખીને હાઈવે પર ચક્કાજામ કરવાની ફરજ પાડશે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના ટ્રેકટરો આડા મૂકીને રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે, જેથી લોકોની વ્યથા ગાંધીનગર સુધી સંભળાય.
તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરી છે કે આંદોલન કરવાની નોબત ન આવે તે માટે તાત્કાલિક ધોરણે રાજકોટ-મોરબી રોડના સમારકામ (રિસરફેસિંગ/પેવરવર્ક) માટે સૂચના આપવામાં આવે. જો લડતની જાહેરાત બાદ પરિસ્થિતિ બેકાબૂ બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી હાઈવે નિર્માણ કરનારું તંત્ર અને ગુજરાત સરકારની રહેશે, તેમ જણાવી ગંભીર નોંધ લેવા માંગણી કરી છે.
