ભાવનગર હાઈ-વે પર ચાર મહિના પૂર્વે જ કરાયેલ પેચવર્ક-ડામરમાં ફરી પોપડા ઉખડ્યા
રૂા.27 કરોડના ખર્ચે મંજૂર થયેલ કામમાં રૂા.5 કરોડની કામગીરીમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાની સિઝન હોય અને વરસાદ પડયો હોય તેવું કહી શકાય એવો વરસાદ નોંધાયો છે. છતાં પણ રોડ રસ્તાની બિસ્માર હાલત થઈ ગઈ છે. અગાઉ પણ ગ્રામ્ય વિસ્તારમાં રોડ-રસ્તા બાબતે કેબીનેટ મંત્રી અને ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ફરી કોંગ્રેસ દ્વારા રસ્તા બાબતે મંત્રીનો વિરોધ કરાયો હતો.
ચાર મહિના પહેલા આ હાઈવે પરના ખરાબ રસ્તાનું પેચ વર્ક અને ડામર પાથરવા માટે રૂૂ. 27 કરોડ મંજૂર થયા હતા. જેમાંથી રૂૂ.5 કરોડ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. જોકે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી વહેલી તકે આ રોડનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નિશિત ખૂંટે જણાવ્યુ હતું કે, રાજકોટ ભાવનગર હાઈવે પરના રોડનું ચાર મહિના પહેલા તંત્ર દ્વારા ડામર દ્વારા પેચવર્ક કરવામાં આવ્યું હતું.
તેમણે રસ્તા પરની ધૂળ હાથમાં લઈ કહ્યું કે આપ જોઈ શકો છો કે આમાં ક્યાંય ડામર દેખાતો નથી. આ બાબતે અમે તંત્રને અનેક વખત રજૂઆતો કરેલી છે. રસ્તા ન કામમાં રૂૂ.5 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે તેની તપાસ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. તેમણે જણાવ્યું કે રાજકોટ ભાવનગર હાઇવે પરનો આ વિસ્તાર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો મતવિસ્તાર છે. જો કેબિનેટ મિનિસ્ટરના વિસ્તારમાં જ આવુ હોય તો અન્ય વિસ્તારના રસ્તા કેવા હશે ? અમારી સરકાર અને તંત્રને રજૂઆત છે કે આ ભ્રષ્ટાચારની વહેલી તકે તપાસ કરવામાં આવે અને અમારી માગણી સંતોષાય તેમજ વરસાદ પણ વિરામ લઈ ચૂક્યો છે ત્યારે રસ્તાનું કામ શરૂૂ કરવા માટે અમારી વિનંતી છે.