ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થઇ શકે: હાઇકોર્ટ
ગુજરાત હાઈ કોર્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થઈ શકે છે તેવો ચુકાદો આપ્યો હતો. ટ્રાયલ કોર્ટ દ્વારા વિદેશ જવા અંગેની શરતો લાદી શકાય છે પરંતુ પાસપોર્ટ વિભાગ પાસે આવી કોઈ સત્તા નથી તેમ પણ કોર્ટે જણાવ્યું હતું
બંધારણના અનુચ્છેદ 21નું અવલોકન કરતા જણાવ્યું, દુનિયામાં ગમે ત્યાં મુસાફરી કરવી બંધારણનો મૂળભૂત અધિકાર છે. આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંનેની છે. આરોપી સામે કેવા પ્રકારનો ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે તેના આધારે પાસપોર્ટ રિન્યુ કરવો કે નહીં તેનો અધિકાર પાસપોર્ટ ઓફિસને નથી.
આ સિવાય કોર્ટે કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા પાસપોર્ટ એક્ટ હેઠળના નિયમોનું અર્થઘટન કરવાની પણ ટકોર કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કેન્દ્ર સરકારના જાહેરનામાંનું અર્થઘટન કરીને પાસપોર્ટ વિભાગ દ્વારા ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા સંજોગોમાં માત્ર એક વર્ષ માટે જ પાસપોર્ટ રિન્યુ કરવામાં આવતો હતો. અરજદાર કોર્ટમાં જાય તો ત્રણથી પાંચ વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થતા હતાં. જોકે, હવે પહેલીવાર ગુજરાત હાઈ કોર્ટે પાસપોર્ટ દસ વર્ષ માટે રિન્યુ થવો જોઈએ તેવો ચુકાદો આપતાં અનેક લોકોને રાહત થશે.