દિવાળી દરમિયાન એરપોર્ટ વહેલા પહોંચવા મુસાફરોને કરી તાકીદ
ભારે ઘસારાથી બચવા સમયપત્રક તપાસતા રહેવા SVPI એરપોર્ટની સુચના
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉપડતા મુસાફરોને દિવાળીના દિવસોમાં રજાઓના ધસારાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ વહેલા પહોંચવાની સલાહ આપવામાં આવી છે. એરપોર્ટ અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સલાહ મુજબ, મુસાફરોએ સંબંધિત એરલાઇનની વેબસાઇટ પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સમયપત્રક તપાસવું જોઈએ.
નિયમિત દિવસોમાં એરપોર્ટ પર દરરોજ આશરે 38,000 મુસાફરો આવે છે. પરંતુ દિવાળી દરમિયાન 15 થી 20 ટકાનો વધારો થવાની ધારણા છે, અને મુસાફરોની સંખ્યા 40,000 ના આંકડાને પાર કરે તેવી શક્યતા છે, એમ અમદાવાદ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.
ભીડને કારણે, કેન્દ્રીય સુરક્ષા એજન્સી CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) એ સુરક્ષા તપાસમાં વધારો કર્યો છે, જેના કારણે ચેક-ઇન પ્રક્રિયામાં વધુ સમય લાગવાની ધારણા છે. તેથી, મુસાફરોને એરપોર્ટ વહેલા પહોંચવાની સલાહ આપવામાં આવી છે.