એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો! અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ રદ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના સામનો કરી રહી છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કોચી અને તિરુવનંતપુરમ સહિત અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સ મોટા પાયે રદ કરવામાં આવી છે અથવા મોડી પડી છે. જેના કારણે કારણે એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો લાગી છે. મુસાફરોમાં રોષ પણ જોવા મળ્યો છે.
ઇન્ડિગોના કનેક્ટિવિટી નેટવર્કને કારણે, દેશભરમાં તેની અસર જોવા મળી. એરપોર્ટ સત્તાવાળાઓ અને ઇન્ડિગો દ્વારા મોડી રાત સુધી એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, પરંતુ મધ્યરાત્રિના 12:00 વાગ્યા સુધી પણ પરિસ્થિતિ સુધરવામાં સમય લાગી રહ્યો હતો. ગઈકાલે (5 ડિસેમ્બરે) ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે, 15 ડિસે. સુધીમાં જેનું બુકિંગ છે, તેણે હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે, ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે. જેમાં વડોદરા એરપોર્ટથી છ ફ્લાઈટ રદ થઈ છે. તો અમદાવાદ એરપોર્ટ પર રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં અરાઇવલ 7 અને ડીપાર્ચર 12 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટની પણ એક મુબઈની ફ્લાઈટ રદ કરાઈ છે. દિવસ દરમિયાન રાજકોટ એરપોર્ટ ઉપરથી દિલ્હીની 4, મુંબઈની 4, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોરની એક-એક ફ્લાઈટ ઉડાન ભરશે. જોકે, આ ફ્લાઇટ એકંદરે અડધો કલાક મોડી પડી રહી છે.
પશ્ચિમ રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે.