રીબડામાં એકસાથે બે ટ્રેનનું ક્રોસીંગ થવાથી અપડાઉન કરતાં મુસાફરોને ભારે હાલાકી
વેરાવળ થી રાજકોટ જતી ટ્રેન નું ક્રોસીંગ રીબડા થઇ રહ્યું છે.પરંતુ જ્યાર થી પોરબંદર ની બે નવી ટ્રેન શરુ કરાઇ હોય રીબડા સ્ટેશન પર સવારે બે ટ્રેન નાં ક્રોસિંગ થઈ રહ્યા હોય રાજકોટ જઇ રહેલાં પેસેન્જરો અને રોજીંદા અપડાઉન કરતા લોકો અડધાથી પોણી કલાક મોડા થઇ રહ્યા હોય પરેશાન થઈ રહ્યા છે. મોડા પડવાને કારણે નોકરીમાં પગાર કપાવવો કે અડધી રજા મુકવા ફરજ પડતી હોય અપડાઉન કરતા હજારો લોકો મુશીબત ભોગવી રહ્યા છે.
આવા સંજોગો માં યુથ કોંગ્રેસનાં પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલાએ ગોંડલ રેલ્વેસ્ટેશન દોડી જઇ સ્ટેશન માસ્ટર ને ઉગ્ર રજુઆત કરી જો રીબડા થઈ રહેલા ક્રોસિંગ માં ફેરફાર નહી કરાય તો રેલરોકો આંદોલન સાથે વિરોધ ની ચીમકી ઉચ્ચારી હતી. પ્રતિપાલસિંહ ઝાલાએ રજૂઆત માં કહ્યુ કે વેરાવળ થી રાજકોટ જતી ટ્રેન સવારે સાડા નવ કલાકે પંહોચતી હોય છે. પરંતુ અઠવાડીયાથી શરુ થયેલી રાજકોટ પોરબંદર ટ્રેન નું ક્રોસીંગ સવારે નવ કલાકે રીબડા સ્ટેશને થઈ રહ્યુ છે. આજ સમયે અન્ય રાજકોટ થી વેરાવળ જતી ટ્રેન નું ક્રોસીંગ પહેલાં થી જ રીબડા સ્ટેશને થઇ રહ્યુ છે.
આમ બબ્બે ટ્રેન નાં ક્રોસિંગ ને કારણે રાજકોટ જઇ રહેલી ટ્રેન ને અડધા થી પોણી કલાક સુધી રીબડા થોભવું પડતું હોય મુસાફરો પરેશાન થઇ રહ્યા છે.જો રાજકોટ પોરબંદર અને વેરાવળ રાજકોટ ટ્રેન નું ક્રોસીંગ ભકતિનગર રેલ્વેસ્ટેશન પર કરવામાં આવે તો સમય નો બચાવ થાય.અને મુસાફરોનો રીબડા સ્ટેશન પર જે સમય વેડફાય છે.તે બચી શકે અને નિયત સમયે નોકરી કે ધંધા રોજગાર પર પંહોચી શકે. વેરાવળ થી સવારે રાજકોટ તરફ જતી ટ્રેન માં જુનાગઢ, જેતલસર,જેતપુર અને ગોંડલ નાં મોટી સંખ્યા માં લોકો રોજીંદા અપડાઉન કરી રહ્યા છે.પરંતુ રીબડા બબ્બે ટ્રેન નાં ક્રોસિંગ થી અપડાઉન ધારકોની હાલત કફોડી થવા પામી છે. જો વહેલી તકે ઉકેલ નહી આવેતો રેલરોકો આંદોલન કરવા પ્રતિપાલસિંહ ઝાલાએ ચીમકી ઉચ્ચારી છે.તેમણે ભાવનગર તથા રાજકોટ રેલ્વે વિભાગ ઉપરાંત સાંસદ મનસુખભાઈ માંડવી, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્ર્વીની વૈશ્ર્નવ ને પણ પત્ર દ્વારા રજુઆત કરાઈ છે.