ઇન્ડિગોનો પાયલોટ મોડો આવતા રાજકોટ-મુંબઇની ફ્લાઇટના મુસાફરો ત્રણ કલાક હેરાન થયા
મુંબઇથી રાજકોટ આવતી ઇન્ડિગોની ફલાઇટનો પાઇલોટ મોડો આવતા મુંબઇની ફલાઇટ ત્રણ કાલક મોડી પડી હતી. જેથી રાજકોટથી મુંબઇની ઉડાન ભરતી ફલાઇટ પણ મોડી થતા આ મામલે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઈન્ડિગોની ફ્લાઈટ IGO 6133 મુંબઈથી 7.25 એ ઉપડવાને બદલે 11.24એ ઉપડી હતી. જે ફ્લાઇટ રાજકોટ 8.30ને બદલે 12.08 વાગ્યે પહોંચી હતી. જ્યારે રાજકોટથી આ ફ્લાઈટ સવારે 9 વાગ્યાને બદલે 12.57 વાગ્યે ઉપડી હતી. જેને કારણે 100 થી વધુ મુસાફરો હેરાન થયા હતા.
ફ્લાઈટ મોડી થવાનું કારણ પણ સામે આવ્યું હતું, જેમાં ફ્લાઈટનો કેપ્ટન મોડો પહોચ્યો જેને પગલે ત્રણ કલાક સુધી મુસાફરો હેરાન થયા હતા. જેથી એરપોર્ટ પર મુસાફરોએ આક્રોશ સાથે હોબાળો મચાવ્યો હતો, જોકે ઈન્ડિગો દ્વારા રાબેતા મુજબનો જવાબ આપી દેવામાં આવ્યો હતો. મુંબઈ જતી ફ્લાઈટના મુસાફરોને અન્યત્ર પહોચવા માટે ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી.
મુસાફરે X પર લખ્યુ કે, તારીખ 5 નવેમ્બરના બોર્ડિંગ પછી, અમને ઓપરેશનલ ઇશ્યુઝ ટાંકીને વિલંબના બે મેસેજ મળ્યા. પહેલા 7:55 અખ માટે ફરીથી શેડ્યૂલ કરાયું, પછી ફરીથી 8:40 AM માટે, અને અમે પહેલાથી જ 1 કલાક 20 મિનિટથી વિમાનની અંદર બેઠા હતા, અને બીજા 40 મિનિટ રાહ જોવાનું કહેવામાં આવ્યું છે. જે પછી એર હોસ્ટેસે અમને જાણ કરી કે કેપ્ટન પોતે મોડા પડ્યા છે અને તે જ કારણ છે કે આખી ફ્લાઇટ અટકી ગઈ હતી. જે બાદ બીજો મેસેજ મળ્યો કે, ફ્લાઇટ 10:30 AM માટે ફરીથી શેડ્યૂલ થઈ. જ્યારે મુસાફરો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે કેબિન ક્રૂના સભ્યોમાંથી એકે જણાવ્યું કે પ્લેનના પાઇલટને મોડું થયું હતું. જેના કારણે ટેકઓફમાં વિલંબ થયો હતો.
