બસપોર્ટમાં બેઠક વ્યવસ્થાના અભાવે મુસાફરો નીચે બેસવા મજબૂર
70થી વધારે સીટો હટાવી લેતા યાત્રિકોમાં રોષની લાગણી: પ્લેટફોર્મ નં.21 અને 22માં પંખાની સુવિધા નહીં હોવાથી દાહોદ, ગોધરા, પંચમહાલના મુસાફરો કાળઝાળ ગરમીમાં બફાઇ રહ્યા હોવાના આક્ષેપ: એરપોર્ટ જેવી સુવિધા આપવાની ગુલબાંગોનું સુરસુરીયું
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ જણાવ્યું છે કે બસ સ્ટેશન ખુલ્લુ મુકાયું ત્યારે આ બસપોર્ટ પર મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધા આપવામાં આવશે એવી ગુલબાંગો અધિકારીઓ અને ઉપસ્થિત રાજકારણીઓ દ્વારા ફેંકવામાં આવી હતી. પરંતુ તેનું સુરસુરિયું થઈ ગયું છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બે જવાબદાર અને લાપરવાહીને પગલે બસ પોર્ટ માં મુસાફરોને સુવિધાને બદલે દુવિધા મળી રહી છે. એસટી બસ પોર્ટ સી.સી ફૂટેજ કેમેરા થી સજ્જ હોવા છતાં અધિકારીઓને મુસાફરોની પડતી હાલાકી નજર આવતી નથી.
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટ માં નિયમિત 1200 થી વધુ બસોની આવન જાવન વચ્ચે હજારો મુસાફરોની અવર જવર રહે છે. એસ. ટી બસ પોર્ટ માં આમ પણ બેઠક વ્યવસ્થા ઓછી છે મુસાફરોને ફરજિયાત ઊભું રહેવું પડે છે અથવા નીચે પલોઠી વાળીને બેસવું પડે છે.
રાજ્ય સરકારે એસ.ટીના ભાડા વધારામાં મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા આપવી એ હેતુને ધ્યાનમાં લઈને ભાડા વધારો કરવાની મંજૂરી આપી છે ત્યારે એસ.ટી એ ટૂંકા ગાળામાં 35 ટકા જેટલો તોતિંગ ભાડા વધારો કરવામાં આવતા એસ.ટી ને અંદાજે વાર્ષિક 1500 કરોડ રૂૂપિયા આવક થઈ રહી છે. અને તેમ છતાં રાજકોટ એસ.ટી બસ પોર્ટમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના સંકલનના અભાવે જે બેઠક વ્યવસ્થા છે. તે અપુરતી હોવા છતાં 70 થી વધુ બેઠક વ્યવસ્થા હટાવી દેવામાં આવતા મુસાફરોમાં રોષની લાગણી ફેલાય છે.
દાહોદ, ગોધરા, પંચમહાલ, ફતેપુરા ના સૌથી વધુ એસ.ટી ને કમાઈને દેતા ગરીબ મુસાફરો માટે પ્લેટફોર્મ નંબર 21 અને 22 ઉપર એક પણ પંખો નથી અને કોઈ બેઠક વ્યવસ્થા પણ ન હોવાને કારણે મુસાફરોને કલાકો સુધી ભોયતળિયે બેસવું પડે છે.
પ્લેટફોર્મ નંબર 22 પરનું પાણીનું પરબ હટાવી ને સાઇડમાં જે રીતે પ્લેટફોર્મ નંબર પાંચ પર છે તે રીતે કરવામાં આવે તો બેઠક વ્યવસ્થા પણ વધી શકે તેમ છે જે અંગે ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એટીઆઈનું મૌખિક ધ્યાન વારંવાર દોરવા છતાં નક્કર કામગીરી કરવામાં આવી નથી રાજકોટ બસપોર્ટના સીસી ફૂટેજ જોઈ અને કોન્ટ્રાક્ટર દ્વારા બેઠક વ્યવસ્થા હટાવી દેવામાં આવતા મુસાફરોને પડી રહેલી હાલાકી અંગે દંડનીય કાર્યવાહી થવી જોઈએ. ડેપો મેનેજર ઉપર પણ કારણદર્શક નોટિસ આપી કાર્યવાહી થવી જોઈએ અને આ અંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એમ.ડીને અને રાજકોટના વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરી પ્રવાસી મુસાફરોને માટે પૂરતી બેઠક વ્યવસ્થા અને પંખાની વ્યવસ્થા કરવાની ઉપરોક્ત સમિતિના સભ્યોએ માંગ ઉઠાવી છે.
કોઇપણ બેઠક વ્યવસ્થા હટાવવામાં આવી નથી
બસપોર્ટમાં કોઇપણ પ્રકારની બેઠક વ્યવસ્થા હાલ હટાવવામાં આવી નથી. શરૂઆતથી જે પ્રકારની સીટીંગ અરેજમેન્ટ છે તે જ પ્રકારનું હાલ છે. કોઇએ નિરીક્ષણ કરવું હોય તે કરી શકે છે. મુસાફરોને તમામ પ્રાથમિક સુવિધા આપવા માટે ડિવિઝન સતત પ્રયત્નશીલ છે.
-જે.બી. કરોતરા, વિભાગીય વડા (રાજકોટ એસ.ટી. ડિવિઝન)