ટ્રાફિક ન્યુસન્સ ફેલાવતા પેસેન્જર વાહનોના ચાલકોને સુધરી જવા તાકિદ
રેલવે - બસ સ્ટેશન - એરપોર્ટ ઉપર ટ્રાફિક-પાર્કિંગની સમસ્યા નિવારવા રીક્ષા - ટેક્ષી કે, ખાનગી વાહનોના આડેધડ થતા પાર્કિંગ સામે એકશન લેવા ગૃહમંત્રીની સૂચના
વાહનચાલકો સામે કડક કાર્યવાહીની છૂટ : એસ. ટી., આર.ટી.ઓ. અને પોલીસ અધિકારીઓ તથા ટેકસી - ઓટો રિક્ષા અને ખાનગી બસ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે યોજેલી બેઠક
ગુજરાતમાં વધી રહેલી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ટ્રાફિકને લઈને અનેક સવાલો ઉભા થયાં છે અને હાઇકોર્ટે પણ ટ્રાફિક સમસ્યા અંગે ખુબજ આકરુ વલણ અખત્યાર કર્યુ છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીએ ટ્રાફિક વ્યવસ્થાપન અંગે ગઇકાલે આર.ટી.ઓ., એસ.ટી., પોલીસ વિભાગનાં અધિકારીઓ ઉપરાંત રિક્ષા, ટેકસી અને ખાનગી બસોના સંગઠનોનાં હોદેદારો સાથે બેઠક યોજી રાજયમા પેસેન્જર વાહનોનાં કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા લંબાણપુર્વક ચર્ચા કરી હતી.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા, કેબ ટેક્સી તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવાનો હતો. સામાન્ય નાગરિકોને ટ્રાફિકના કારણે થઈ રહેલી અગવડતાને ધ્યાનમાં રાખીને, મંત્રીએ આવા સ્થળોએ થતા આડેધડ પાર્કિંગ સહિતના મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને આવા તમામ વાહનચાલકો વિરુદ્ધ કડક પગલાં લઈને દાખલારૂૂપ કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ નિર્ણયનો હેતુ ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવીને નાગરિકોને સરળ અને સુરક્ષિત પરિવહન પ્રદાન કરવાનો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે ટ્રાફિક વ્યવસ્થાપન અંગે બેઠક યોજી હતી. રેલવે, બસ સ્ટેશન, એરપોર્ટ જેવા વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે અધિકારીઓને સૂચના આપી હતી. આ વિસ્તારોમાં રીક્ષા કેબ, ટેક્સી અને જાહેર પરિવહનના નિયમન કરી એક્શન લેવા સૂચના આપવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને ટ્રાફિકના કારણે પડી રહેલી અડચણો પણ ધ્યાને લેવા સૂચના આપી હતી.
આવા સ્થળો પર આડેધડ થતા પાર્કિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. આ બેઠકમા રીક્ષા અને ટેકસી જેવા પેસેન્જર વાહનોનાં કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા તેમજ પેસેન્જર વાહનોનાં ચાલકો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી સહિતની બાબતોનુ પ્રેઝન્ટેશન પણ કરવામા આવ્યુ હતુ અને પેસેન્જર વાહનોનાં ચાલકોને ટ્રાફિક ન્યુસન્સ નહીં ફેલાવવા તેમજ જો નહીં સુધરે તો કડક કાર્યવાહી માટે તૈયાર રહેવા તાકીદ કરવામા આવી હતી.
ટ્રાફિક ટેરર સામે હાઇકોર્ટ લાલઘૂમ, હવે દર બુધવારે સુનાવણી કરશે
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સહિત રાજ્યભરના રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક, ગેરકાયદે પાર્કિંગ, અને રસ્તા-ફૂટપાથ પરના દબાણ જેવા મુદ્દાઓ પર થયેલી અવમાનના અરજી સંદર્ભે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ સત્તાવાળાઓને કડક સૂચના આપી છે. હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રોંગ સાઈડ ડ્રાઇવિંગને કારણે અકસ્માતો અને નિર્દોષ લોકોના મૃત્યુમાં વધારો થઈ રહ્યો છે આથી, આવા વાહનચાલકોને કાબૂમાં લેવા માટે તેમના વાહનો જપ્ત કરવા અને તેમને કાયદાનું ભાન કરાવવું જરૂૂરી છે. ન્યાયમૂર્તિ એ.એસ. સુપહીયા અને ન્યાયમૂર્તિ આર.ટી. વાચ્છાણીની ખંડપીઠે સરકારને સચોટ ટકોર કરતા જણાવ્યું હતું કે, અમને નાગરિકોની સલામતીમાં રસ છે, બીજી કોઈ વાતમાં નહીં. આથી, યોગ્ય આયોજન કરી, અસરકારક કામગીરી કરીને અમને પરિણામ આપો, બસ. હાઈકોર્ટે હવે આ કેસની સુનાવણી દર બુધવારે કરવાનું નક્કી કર્યું છે અને તેનો સાપ્તાહિક અહેવાલ પણ માંગ્યો છે હાઈકોર્ટે ગેરકાયદે પાર્કિંગની જટિલ સમસ્યા અંગે પણ સરકારને ગંભીર ટકોર કરી હતી.