હળવદ નજીક ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા મુસાફરનું મોત
કપડાની ખરીદી કરી પરત ફરતી રણછોડગઢની પરિણીતાને નડ્યો અકસ્માત
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતી પરિણીતા કપડાની ખરીદી કરી રીક્ષામાં બેસી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે હળવદ અને દેવળીયા ગામ વચ્ચે અજાણાયા ટ્રેકટર ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિણીતાનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હળવદના રણછોડગઢ ગામે રહેતી શારદાબેન જગદીશભાઇ પરમાર નામની ર3 વર્ષની પરિણીતા રીક્ષામાં બેસી હળવદ પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે અજાણયા ટ્રેકટર ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ધવાયેલી મુસાફર મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયા તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. શારદાબેન પરમાર હળવદ કપડાની ખરીદી કરી પરત રણછોડગઢ ગામે જવા રીક્ષામાં જઇ રહ્યા હતા. ત્યારે જીવદેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.