ગિરનારની પવિત્ર ધરા પર નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યમાં ઉજવાશે પર્યુષણ મહાપર્વ
ધ્યાન, પ્રવચન, પ્રતિક્રમણ, પૌષધ સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરણાત્મક નાટિકાઓ, 5 કરોડ પંચ પરમેષ્ઠી સામૂહિક જપ સાધના સહિતના ભવ્ય આયોજન
જે ભૂમિના અણુ - અણુમાં પ્રભુની સ્મૃતિ સંવેદના અનુભવાય છે એવી મહાયોગીઓની ભૂમિ પર... શહેરી ઘોંઘાટથી દૂર, નીરવ શાંતિ અને સાધનાની પવિત્ર ભૂમિ એવી ધન્ય ધરા ગિરનારમાં રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં આગામી તા.20 ઓગસ્ટથી 27 ઓગસ્ટ, 2025 આઠ દિવસ દરમ્યાન પધારી રહેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની સાધના- આરાધનાનું ભવ્યાતિભવ્ય આયોજન પારસધામ ગિરનારના આંગણે કરવામાં આવ્યું છે.
પર્વના આઠ દિવસ દરરોજ વહેલી સવારથી રાત્રિ સુધી આયોજિત કરવામાં આવેલાં પર્વલક્ષી કાર્યક્રમ અંતર્ગત દરરોજ સવારના 6:15થી 7:15 કલાકે સ્વ સાથે અનુસંધાન કરાવનારી વિશિષ્ટ પ્રકારની બ્રહ્મમુહૂર્ત ધ્યાન સાધના કરાવવામાં આવશે. ત્યારબાદ સવારના 8:00થી 8:30 કલાકે સ્પેશિયલ યુથ પર્યુષણ અંતર્ગત વિશેષરૂૂપે યુવાનો માટે ઇંગ્લિશ લેંગ્વેજમાં બોધ પ્રવચન યોજાશે. સવારના 8:30થી 9:00 કલાક દરમિયાન પ્રભુ નામ સ્મરણ સ્વરૂૂપ 24 તીર્થંકર પરમાત્માની ધૂનથી ગુંજી રહેશે પ્રભુ નેમ દરબાર. દરરોજ સવારના 9:00 કલાકથી ભવ્ય જીવોની પ્રતિબોધિત કરતા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના મુખેથી બોધ પ્રવચન તથા અંતર દૃષ્ટિને ઉજાગર કરનારા, સત્યનું દર્શન કરાવનારા પ્રેક્ટીકલ પ્રયોગો તેમજ અદભૂત અને ભવ્ય પ્રેરણાત્મક નાટિકાઓની પ્રસ્તુતિ બાદ દરરોજ સાંજના 07:00થી 8:00 કલાકે પ્રતિક્રમણની આરાધનાનું આયોજન કરવામાં આવશે.
વિશેષમાં, ગ્લોબલ પર્યુષણ મહાપર્વ અંતર્ગત પરમ ગુરુદેવના સાંનિધ્યે લાઈવ દ્વારા પારસધામ- યુ.એ.ઈ., પારસધામ- યુ.એસ.એ., પારસધામ- યુ.કે., પારસધામ- સિંગાપુર, પારસધામ- ઓસ્ટ્રેલિયા, પારસધામ- મલેશ્યા, પારસધામ- કેનેડા, પારસધામ-સ્વીડન, પારસધામ- યુગાંડા, પારસધામ- કેન્યા, પારસધામ- સુદાનના આયોજનથી ભારત સાથે વિદેશના લાખો ભાવિકો પણ સાંજના 08:00 કલાકે પરમ ગુરુદેવના મુખેથી વિશિષ્ટ વિષયો પર રાત્રિ બોધપ્રવચન ફરમાવવા સાથે સુવિખ્યાતકલાકારો દ્વારા પરમાત્મા સાથે એકાકાર કરાવનારા ભક્તિના કાર્યક્રમનો લાભ લઈ ધન્યાતિધન્ય થશે.
નિત્ય આરાધનાના દરેક કાર્યક્રમની સાથે પર્વના ચતુર્થ દિવસે 23 ઓગસ્ટ, 2025 શનિવાર સવારના 09:00 કલાકે વિશ્વના ખૂણે- ખૂણેથી ભાવિકો જોડાઈને 5 કરોડ પંચ પરમેષ્ઠિની જપસાધનાનું એક સાથે, એક સમયે પવિત્ર ગુંજારવ કરીને વિશ્વ શાંતિની ભાવના પ્રસરાવશે. સવિશેષ, પર્વના પંચમ દિવસે તા:24 ઓગસ્ટ, 2025 રવિવારે, સવારના 09:00 કલાકથી પ્રભુના માતા ત્રિશલા દેવીને આવેલા 14 મહાસ્વપ્નોની રજવાડી વણઝારના દિવ્ય દર્શન સાથે દેશ-વિદેશના લાખો ભાવિકો પ્રભુ જન્મના વધામણા કરીને ભગવાન મહાવીર જન્મોત્સવ ઉજવી ધન્ય બનશે તો સપ્તમ દિવસે તા:26 ઓગસ્ટ, 2025 બુધવારે બપોરના 03:00 કલાકે સમગ્ર ભારત તેમજ વિદેશના હજારો બાળકો માટે બાળ સહજ નાના નાના પાપ-દોષોની વિશુદ્ધિ કરાવતી બાલ આલોચના વિધિ યોજાશે. પર્વના અંતિમ દિવસે તા:27મી ઓગસ્ટ 2025 બુધવારે, બપોરના 03:00 કલાકે પરમ ગુરુદેવના મુખેથી એક સાથે હજારો ભાવિકોને શ્રાવક દીક્ષાની અર્પણતા સાથે જનમ- જનમના પાપ-દોષોની વિશુદ્ધિ સ્વરૂૂપ સંવત્સરી આલોચના વિધિ કરાવવામાં આવશે. સંસારથી પરે થઈને, ગિરનારની પવિત્ર તીર્થભૂમિ પર ગુરુ ભગવંતના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આયોજિત દરેકે દરેક આરાધના તેમજ કાર્યક્રમનો લાભ લઈને આ ભવ અને ભવોભવનું કલ્યાણ સાધી લેવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા પારસધામ -ગિરનાર તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.પર્વના દરેક કાર્યક્રમ પ્રભુ નેમ દરબાર, રૂૂપાયતન રોડ, ગિરફાર્મ, જૂનાગઢ ખાતે યોજાશે.