વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામની જર્જરિત શાળામાં વાલીઓની તાળાબાંધ
વડીયાના ઢુંઢિયા પીપડીયા ગામે જર્જરીત શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છતમાંથી વરસાદી પાણી ટપકી રહયા છે. રાજસ્થાનમાં બનેલી ઘટના જેવી ઘટના અહીં ન બને તેવા હેતુથી બાળકોના વાલીઓએ પોતાનો રોષ ઠાલવી શાળાને એક દિવસ પૂરતી તાળાબંધી કરી દીધી અને દસ દિવસમાં તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાંઓ નહીં લેવાય તો ધરણાની ચીમકી ઉચ્ચારી છે.
વડીયા તાલુકાના ઢુંઢિયા પીપળીયા ગામમાં બાલવાટિકાથી ધો.8 સુધીની પ્રાથમિક શાળા ચાલે છે. જેમાં 60 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ અહીં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે બેસવા જે ઓરડાઓ છે તે જર્જરીત થતા 2023માં પાડવા માટેની મંજૂરીઓ આપી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે બે ફોલ્ડિંગ ઓરડાઓ સિન્ટેક્સ કંપનીના બનાવવામાં આવ્યા છે જેની પણ વેલીડીટી પૂરી થઈ ગઈ છે. પતરાઓમાંથી અંદર પાણી આવી રહ્યું છે.શાળાની આ સમગ્ર પરિસ્થિતિને લઈ આજે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ પોતાના બાળકો સાથે શાળાએ પહોંચી સવાલો કર્યા હતાં. શાળામાં બાળકોના અભ્યાસ માટેની વસ્તુઓ પણ જર્જરિત ઓરડાઓમાં ધૂળ ખાઈ રહી છે. વાલીઓએ આજે શાળાએ પહોંચી આવી જર્જરીત શાળામાં ક્યાંક રાજસ્થાનમાં બનેલી ઘટના અહીં ઘટના બનશે તો સંતાનોને ગુમાવવાનો વારો આવશે તેવા ભય સાથે પોતાના બાળકોને શાળાએથી ઘરે લઈ જતા જતા શાળાને તાળું માર્યું હતું.