રાજકુમાર કોલેજ સામે ફીના મામલે વાલીઓનો મોરચો
ખોટા ખર્ચા ઉધારી ખોટા ઓડિટ રિપોર્ટ એફ.આર.સી. સમક્ષ રજૂ કરાતા હોવાનો ગંભીર આક્ષેપ
દરેક ટ્રસ્ટીઓને મીટીંગ માટે એક લાખ રૂપિયાનુ તોતીંગ મહેનતાણુ, સંસ્થાના વાહનોનો વ્યક્તિગત ઉપયોગ
અલગ અલગ ફી ઉઘરાવવામાં પણ પારદર્શિતા નહીં, ફી સંશોધન પ્રક્રિયામાં વાલીઓની બાદબાકી
રાજકોટની રાજાશાહી વખતની પ્રતિષ્ઠીત રાજુકમાર કોલેજ સામે વાલી મંડળે મોરચો ખોલી દીધા છે. રાજકુમાર કોલેજ દ્વારા ખોટા ખર્ચાઓ ઉધારી, ખોટા ઓડીટ રિપોર્ટ તૈયાર કરી વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર ફી ઉઘરાવાતી હોવાની ફી રેગ્યુલેટરી કમિટી (એફ.આર.સી.) સમક્ષ લેખિત ફરીયાદ રાજકુમાર કોલેજ પેરેન્ટસ એસો. એ કરતા ભારે ચકચાર જાગી છે. પેરેન્ટસ એસો. એ જરૂર પડયે પુરાવા રજુ કરવાનુ પણ જણાવ્યુ છે.
વાલી મંડળે એફઆરસીનાં ચેરમેનને કરેલી ફરીયાદમા જણાવ્યુ છે કે, સંસ્થા દ્વારા ખોટા ખર્ચાઓ ઉધારી, ખોટા ઓડીટ રીપોર્ટો તૈયાર કરી આપ સમક્ષ ખોટી રીતે ફી મંજુર કરાવવાનાં પ્રયત્નો કરી રહેલ છે પરંતુ આપ નિડર, નિષ્પક્ષ અને ખરેખર થતા ખર્ચાઓ જ મંજુર કરો છો તેવુ અમોને જાણવા મળેલ છે અને આજનાં સમયમા ખરેખર વાલીઓ પર ખોટો આર્થીક બોજ વધે નહી તેવા પ્રયાસો આપ દ્વારા કરવામા આવી રહેલ છે.
રાજકુમાર કોલેજ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ઘણા અસહય, ખોટા ખર્ચ ઉધારી ફંડનો દુરઉપયોગ કરી પોતાનાં અંગત ખર્ચમા તે ફંડનો ઉપયોગ કરી રહેલ છે જે અંગેનાં મુદાઓ રજુ કરી ન્યાયિક તપાસની પણ માગણી કરી છે.
ફરીયાદમા જણાવ્યુ છે કે, હાલની ફી અત્યંત વધુ છે અને તે શાળાનાં આધારભુત ધોરણો અથવા સુવિધાઓને ન્યાય આપતી નથી. શાળાનાં ફંડનો અયોગ્ય ઉપયોગ થાય છે જેમા પ્રિન્સીપલ અને કેટલાક સ્ટાફને મળતી મહેનતાણુ અને સુવીધાઓ અસાધારણ છે.
ટ્રસ્ટીઓ દરેક મીટીંગ માટે પ્રતિવ્યકિતદીઠ રૂપિયા એક લાખથી વધુ મેળવતા હોવાનુ કહેવાય છે અને મીટીંગ્સનાં ફ્રીકવેન્સી પણ જરુર કરતા ચાર ગણા વધારે છે.આ ઉપરાંત પ્રિન્સીપલ અવાર - નવાર વિદેશ પ્રવાસે રહે છે જે વ્યવસ્થાપન અને શૈક્ષણિક માર્ગદર્શનને અસર કરે છે.
સંસ્થાનાં અનેક વાહનો વ્યકિતગત હેતુઓ માટે ઉપયોગમા લેવાય છે અને તેનો ખર્ચ વાલીઓ પાસેથી વસુલાય છે. શાળાનાં મેસ એકાઉન્ટમાથી વ્યકિતગત મહેમાનોનાં ખર્ચો ભરવામા આવે છે જેમા ફાઇવ સ્ટાર હોટલ જેવી વ્યવસ્થાઓ શાળા દ્વારા કરવામા આવે છે.પાઠયપુસ્તકો, યુનિફોર્મ, સ્ટેશનરી, નાસ્તો અને શૈક્ષણિક પ્રવાસો માટે ઉચા દરે ફી વસુલવામા આવે છે તેની કોઇ પારદર્શિતા નથી એફ.આર.સી. નાં નિયમ વિરુધ્ધ ઉઘરાવવામા આવે છે.
શાળાને પહેલેથી જ પુરતુ ફંડ હોવા છતા નવા નાણા માટે વાલીઓ પર વધુ ભાર મુકવામા આવે છે. સૌથી મહત્વપુર્ણ બાબત એ છે કે ફી સંશોધન પ્રક્રિયામા વાલીઓનો કોઇપણ અવાજ સાંભળવામા આવતો નથી અને ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા કોઇ બેઠક કે ચર્ચા માટે વાલીઓને કોઇ આમંત્રણ આપવામા આવતુ નથી તેવુ ફરીયાદમા જણાવાયુ છે.
પેરેન્ટસ એસો.ની માગણી
1) શાળાની હાલની કે પ્રસ્તાવિત ફી વધારાને તાત્કાલિક અટકાવવી અથવા સમીક્ષા કરવી.
2) શાળાનુ વિત્તીય અને વ્યવસ્થાપન સંબંધિત ઓડીટ કરાવવુ જેમા ટ્રસ્ટીઓ અને પ્રિન્સીપાલનાં ખર્ચાઓ પણ સમાવેશ થાય.
3) મેસ એકાઉન્ટ અને શાળાની સંપતિઓનાં ઉપયોગની નિષ્ઠાપુર્વક તપાસ કરવી.
4) આગામી તમામ ફી સંબંધીત નિર્ણયોમા વાલી પ્રતિનિધીઓનો સમાવેશ ફરજીયાત કરવો.