જામનગરની બાલાચડી સૈનિક સ્કુલના અંધેર તંત્ર મામલે વાલીઓ નારાજ
જામનગરના જોડીયા નજીક આવેલા બાલાચડી ગામે 1991થી કાર્યરત બાલાચડી સૈનિક સ્કુલમાં અંધેર તંત્ર ચાલતું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળામાં રેગીંગ, નબળી ગુણવત્તા વાળા ભોજન, વર્ગમાં શિક્ષકો મોબાઈલમાં મસ્ત, અપુરતા શિક્ષકો, બંધ સ્વીમીંગ પુલ સહિતના 18 જેટલા મુદ્દાઓની વિસ્તૃત વિગતો સાથેનું આવેદનપત્ર અધિક કલેક્ટરને આપવા સાથે વડાપ્રધાન, રક્ષામંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરીને ગંભીર બાબતો ધ્યાને લઈને સ્થિતિ સુધારવા માંગણી કરી છે. ઉપરાંત વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે આચાર્ય ક્યારેય મળતા જ ન હોવાની ફરિયાદ પણ કરી છે.
જામનગર તાલુકાના વીજરખી ગામે રહેતા અશ્વિનભાઈ લોખીલ નામના એક વાલી તથા અન્ય વાલીઓએ ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આપેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જામનગરની 1991થી કાર્યરત બાલાચડી સૈનિક સ્કુલનીભુતકાળની છબી ધ્યાને લઈને જે વાલીઓ પોતાના બાળકોને રૂૂ.1 લાખ. 85 હજારની ફ્રી ભરીને પોતાના સંતાનોને સેનામાં મોકલવાના સપના જોઈને શાળામાં મોકલ્યા છે, તેઓને પસ્તાવો થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં એન.ડી.એ. માટે બાળકો તૈયાર કરવામાં શાળા નિષ્ફળ રહી છે.
શાળામાં કાયમી શિક્ષકો નથી, જે છે તે ચાલુ વર્ગમાં મોબાઈલનો ઉપયોગ કરે છે. મોટાભાગના બાળકો ગુજરાતી માધ્યમમાંથી આવતા હોવા છતાં બાળકોને માટે અંગ્રેજીના એક્સ્ટ્રા કલાસ રખાતા નથી. તમામ બાબતે મેઈલથી જ રજુઆત કરવા જણાવાય છે. પણ મેઈલનો જવાબ મળતો નથી. સ્કૂલમાં આચાર્ય હોવા છતાં પણ વાલીઓને મળતા નથી. સિનિયર વિદ્યાર્થીઓ જુનિવર વિદ્યાધીઓ સાથે મારકુટ કરે છે, રેગીંગ કરે છે, અને ત્રાસ આપે છે. તે સહિતના વાલીઓએ આક્ષેપો કર્યા છે.