પંચાયત-પાલિકાઓની ચૂંટણી બજેટ સત્ર બાદ યોજાશે
રાજ્યની ખેડા-બનાસકાંઠા એમ 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી બનેલી ગ્રામ પંચાયતો સહતિ કુલ 4765 ગ્રામ પંચાયતો અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ હવે, ગુજરાત વિધાનસભાના સંભવત: 17મી ફેબ્રુઆરી-2025થી 28મી માર્ચ-2025 સુધી યોજનારા બજેટ સત્ર બાદ નવી-2025ની મતદાર યાદી મુજબ એપ્રિલના અંત કે મે માસની શરૂૂઆતમાં યોજાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓ આગામી ચૂંટણીઓ હવે ઝવેરી પંચના અહેવાલ બાદ નક્કી કરાયેલી ઓબીસીની 27 ટકા, અનુસૂચિત જનજાતિ (એસટી) માટે 14 ટકા અને અનુસચિત જાતિ (એસસી) માટે 7 ટકા અનામત બેઠકો મુજબ કરાશે. હાલને તબક્કે, શહેરી વિકાસ વિભાગ બાદ પંચાયત વિભાગે 27 ટકા ઓબીસી અનામત બેઠકોનું જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા શરૂૂ કરી છે. હાલ તો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અનામત પ્રમાણે બેઠકોની ફાળવણી, વોર્ડરચના, રોટેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મતદાર યાદીઓની સુધારણાનો કાર્યક્રમ શરૂૂ કરાશે.
આ ઉપરાંત મુદ્દત વીતી ગઇ હોય તેવી પાલિકા અને પંચાયતો તથા શહેરી વિસ્તારની 42 અને પંચાયતોની 42 મળીને કુલ 84 ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી આવશે. થોડા સમય પહેલાં જ શહેરી વિકાસ અને પંચાયત વિભાગ તરફથી ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ હવે તેમાં સુધારા-વધારાના સાથે ફાઇનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચને ફાઇનલ નોટિફિકેશન મળી જાય તે પછી જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવી મતદાર યાદી બહાર પડાશે. આ પ્રક્રિયામાં દોઢથી બે મહિના સુધીનો સમય લાગી શકે તેમ છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પંચ દ્વારા બજેટ સત્ર પૂર્ણ થયા બાદ એપ્રિલ-2025માં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાય તેવી શક્યતા છે.જાણવા મળ્યા મુજબ, હાલને તબક્કે 17મી ફેબ્રુઆરી-2025ના સોમવાર ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે એમ નક્કી થયું છે. જે મુજબ, 18મી ફેબ્રુઆરી-2025ના મંગળવારે ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું કુલ રૂૂપિયા 3.75 લાખ કરોડનું કદ ધરાવતું બજેટ રજૂ થશે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન થશે ત્યારબાદ દિવંગત પૂર્વ ધારાસભ્યો-મંત્રીઓને શોકાંજલિ અર્પણ કરાશે. બીજા દિવસે સત્રની શરૂૂઆતની સાથે પ્રશ્તોત્તરી બાદ પૂરક અને સુધારેલું બજેટ રજૂ થયા બાદ નવા નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ થશે. 3 દિવસ રાજ્યપાલના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 4 દિવસ બજેટ પરની સામાન્ય ચર્ચા અને 12 દિવસ માટે સરકારના દરેક વિભાગ પર ચર્ચા હાથ ધરાશે.
નવી મતદાર યાદી અંગે 15 જાન્યુઆરીએ આખરી નિર્ણય
પાલિકા-પંચાયતો અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં યોજાનાર ચૂંટણીઓ માટે તૈયાર થઇ રહેલી નવી મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ ડિસેમ્બરના અંતમાં કરી દેવાયા બાદ નિયમ-3 (6) હેઠળ નમૂના નંબર 1 (6) તથા 1 (ખ) મુજબ દાવા અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ 8મી, જાન્યુઆરી-2025 નક્કી કરાઈ છે. રજૂ થયેલા આ દાવા અરજીઓની ચકાસણી તથા દાવા અંગે આખરી નિર્ણય 15મી, જાન્યુઆરી-2025ના રોજ કરાશે.