For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દૃષ્ટિની મર્યાદાને હરાવી સંસ્કૃતમાં પીએચ.ડી. કરવાના કપરા ચઢાણ કર્યા પાર

10:47 AM Nov 26, 2025 IST | Bhumika
દૃષ્ટિની મર્યાદાને હરાવી સંસ્કૃતમાં પીએચ ડી  કરવાના કપરા ચઢાણ કર્યા પાર

ભગવાને આપેલ દૃષ્ટિની મર્યાદાને ભેટ તરીકે સ્વીકારી નોર્મલ વ્યક્તિ કરતા પણ વિશેષ સિદ્ધિઓ હાંસિલ કરી છે ડો.મંજુલાબેન ગાગલિયાએ

Advertisement

અનેક મુસીબતો વેઠીને હાલ જામનગરની એ.કે.મહિલા કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે ડો.મંજુલાબેન ગાગલિયા

જ્યારે નાનપણમાં રાજકોટ વી.ડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં ભણવા મોકલી ત્યારે મારા પપ્પાની આંખમાં આંસુ હતા અને આજે જ્યારે પીએચડી કરી ડોક્ટરેટ કર્યું છે, કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી મળી છે ત્યારે પણ પપ્પાની આંખમાં આંસુ છે.પ્રથમ વખતના આંસુ દીકરીની ચિંતાના હતા જ્યારે અત્યારના આંસુ દીકરીની સફળતાની ખુશીના હતા.તેમની આ ખુશી જ મારા જીવનની મોટી મૂડી છે. આ શબ્દો છે જામનગરની એ.કે.મહિલા કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા ડો.મંજુલાબેન ગાગલિયાના.જેમણે ભગવાને આપેલ દૃષ્ટિની ખામીને સ્વીકારીને અગણિત ડિગ્રીઓ મેળવી છે. બી.એ,એમ. એ,દિવ્યાંગો માટે બી.એડ, નોર્મલ બી.એડ,એમ ફિલ,પીએચ.ડી. કર્યું છે તેમજ ટેટ અને નેટની પરીક્ષાઓ પણ પાસ કરી છે. દૃષ્ટિની મર્યાદાને ભગવાને આપેલ ભેટ ગણી નોર્મલ વ્યક્તિ કરતા પણ વિશેષ સિદ્ધિઓ હાંસિલ કરી છે.તેમની આ યાત્રામાં ફૂલોની સુગંધ અને કાંટાની ચુભનનો અહેસાસ પણ થયો છે આમ છતાં ધારી મંઝિલ તેઓએ મેળવી છે.

Advertisement

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે જન્મ થયો.માતા માધી બેન, પિતા અરસીભાઈ ગાગલિયા અને ચાર ભાઈ બહેનના પરિવારમાં નાની બંને બહેનો જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા. નાનું ગામ અને વધારે કોઈ નોલેજ ન હોવાના કારણે બે ધોરણ સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ભણ્યા.એક દિવસ અચાનક જામનગરના બ્લાઈન્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંપર્ક થયો અને બ્લાઇન્ડ સ્કૂલમાં પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ ભણી શકે એવો ખ્યાલ આવ્યો.દીકરીઓના ખુશહાલ ભવિષ્ય માટે રાજકોટ વી.ડી.પારેખમાં અભ્યાસ શરૂૂ થયો, પરંતુ નાના ગામમાં મો એટલી વાતો થતી.અમુક લોકો નિંદા કરતા કે અંધ દીકરીઓને શહેરમાં આશ્રમમાં મૂકી આવ્યા છે.આવા સમયે દાદી ભગવાન બનીને મક્કમપણે સાથે ઉભા રહ્યા.મંજુલાબેનના પિતાજીને પણ હિંમત આપી કે ગામ લોકોના બોલવા પર ધ્યાન ન આપે.
મંજુલાબેન જણાવે છે કે મારા દાદીનો અને વી.ડી.પારેખ સંસ્થાનો હું આભાર માનું એટલો ઓછો છે. શિક્ષણથી લઈને અન્ય પ્રવૃત્તિઓમાં સંસ્થાએ ખૂબ જ સહયોગ આપ્યો છે.અભ્યાસ દરમિયાન જ ટીચર બનવાનું સ્વપ્ન મનમાં ઊગ્યું.

ભણવામાં ખૂબ રસ હતો બી.એ. અને એમ. અ.ે કર્યા પછી નેટની એક્ઝામ પાસ કરી અને સારા પરિણામ પરથી રાજીવ ગાંધી ફેલોશિપ મળી. બી.એડ. કર્યું, એમ. ફીલ. કર્યું 2017 દરમિયાન લગ્ન થયા. લગ્ન પછી કલ્યાણપુરમાં જોબ કરી ત્યારબાદ કચ્છ અબડાસામાં શિક્ષક તરીકે નોકરી મળી. નોકરી મળવાનો આનંદ તો હતો પરંતુ ઘર,પરિવાર પતિથી દૂર રહેવાનું હતું કારણ કે પતિની નોકરી જામનગરમાં હતી. આઠ વર્ષ સુધી કચ્છ અબડાસામાં રહેવું પડ્યું અને સમયાંતરે અમે આવન જાવન કરતા રહ્યા. આવવા - જવામાં તેમજ પરિવારથી દૂર રહેવાનો સંઘર્ષ ખૂબ મોટો હતો કારણ કે જામનગર થી 12 કલાકનો રસ્તો થાય, બે ત્રણ બસ બદલાવીને પહોંચવું પડતું,ઘણી વખત બસમાં પણ સારા નરસા અનુભવ થતા. નોર્મલ બાળકોને ભણાવવું તેમજ અલગ પ્રદેશ હોવા છતાં સ્ટાફ તેમજ લોકોના સહયોગથી આ સમય પણ પૂર્ણ થયો.

મંજુલાબેનને આ સંઘર્ષના સમયના બદલામાં જ જાણે ભગવાને પ્રોફેસરની નોકરી આપી અને એ.કે.દોશી મહિલા કોલેજ જામનગરમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે નિયુક્તિ થઈ, અહીં સંસ્કૃતના વિષયો ભણાવવા સાથે અમુક જવાબદારી નિભાવે છે. પતિ રમેશભાઈ કલસરિયા પણ પ્રજ્ઞાચક્ષુ છે પરંતુ તેઓ સંગીત, સાહિત્ય, કલામાં રસ ધરાવે છે ગુજરાતી સાહિત્ય ભણેલા છે કાવ્યો, ગઝલ લખે છે અને જ્યોતિષ પણ જાણે છે. નાની બહેન કવિતા પણ જામનગર કેનરા બેંકમાં ક્લાર્ક છે.

મંજુલાબેન પોતાની અન્ય પ્રવૃત્તિઓ વિશે જણાવે છે કે વી.ડી.પારેખ સંસ્થામાં અભ્યાસ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિમાં ભાગ લેવાનું થતું. રાસ ગરબા, ગોળાફેંક, ચક્રફેંક,નાટક,દોડ વગેરેમાં ભાગ લઈ એમાં પણ ઇનામ જીત્યા છે. ખેલ મહાકુંભમાં પણ ભાગ લીધો છે અને બ્લાઈન્ડ માટેના રાસ ગરબા સ્પર્ધામાં પણ ભાગ લીધો છે.તેઓને રાસ ગરબાનો ખૂબ જ શોખ છે. જ્યારે ભણતા ત્યારથી જ તેમને ટીચર બનવાનો શોખ હતો હાલ તેઓ પ્રોફેસર બન્યા છે અને ભણાવવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે આમ છતાં હંમેશા તેઓ નવી નવી વાતો શીખતા રહે છે અને જીવનમાં સકારાત્મક અભિગમ રાખીને આગળ વધતા રહે છે મંજુલાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

સફળતાનું સૂત્ર
મંજુલાબેનને જે સફળતા મળી છે તે બાબત તેઓ જણાવે છે કે જીવનમાં અનેક વખત અણગમતા, નિરાશ થાય તેવા અનુભવો થયા. અનેક વખત અપમાનજનક પરિસ્થિતિ પણ ઊભી થઈ પરંતુ હું પોઝિટિવ વાતો જ વધુ યાદ રાખુ છું કારણકે ભણવાથી લઈને નોકરી કરવા સુધી ડગલે ને પગલે અનેક લોકોએ સાથ સહકાર પણ આપ્યો છે.આ સારી વાત યાદ રાખીને જ હું ભવિષ્યનો વિચાર કરું છું.

પીએચ.ડી.ના અઘરા વિષયે કરી ખરી કસોટી
તેઓએ વૈષ્ણવ પુરાણમાં પાંચ મહાયજ્ઞએ વિષય પર પીએચ.ડી. કર્યું છે.આ બાબત તેઓએ જણાવ્યું કે મનુસ્મૃતિમાં પાંચ યજ્ઞ આવે છે જેનો સૂક્ષ્મ અભ્યાસ કરવો પડતો. વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, ગરુડ પુરાણ બધાનો અભ્યાસ કરવો પડે. આમ વિષય ખૂબ લાંબો અને ગહન હતો. દર છ મહિને આ માટે રાજકોટ આવવું પડતું. રિસર્ચ માટે સોશિયલ મીડિયા પર સાંભળીને ઓડિયો બનાવવા, તેને બ્રેઇન લિપિમાં લખવું અને ત્યારબાદ સામાન્ય ભાષામાં લખી અને પછી પ્રિન્ટ કરાવવા આપતા.. આ બધું અઘરું લાગતું અને ઘણીવાર અભ્યાસ છોડી દેવાના વિચાર આવતા પરંતુ પતિ ખૂબ જ મદદ કરતા અને આગળ વધવા પ્રોત્સાહન આપતા. મને આગળ લાવવામાં તેમનો સહયોગ તો છે જ ઉપરાંત મારા માતા,પિતા,ભાઈ,બહેન,મારા સાસરા પક્ષના દરેક સભ્યોએ દીકરી ગણીને મને સાથ સહકાર આપ્યો છે જેના કારણે હું અહીં સુધી પહોંચી શકી છું.

Wrriten By: Bhavna Doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement