જૂનાગઢમાં અશાંતધારાની માંગ સાથે આક્રોશ રેલી
પાંચ વર્ષથી ચાલતી લડત, હિંદુ હિતરક્ષક સમિતિના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન: સમાજમાં વૈમનસ્ય પેદા થવાનો ભય વ્યક્ત કરાયો
જુનાગઢ શહેરમાં અશાંતધારા કાયદો લાગૂ કરવાની વર્ષોથી ચાલી રહેલી માંગને વધુ વેગ આપવા હિંદુ હિત રક્ષક સમિતિના નેતૃત્વ હેઠળ આજે આક્રોશ રેલી નીકળી હતી. આ વિશાળ રેલીમાં શહેરના સાધુ-સંતો, સામાજિક તથા રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો આ રેલીમાં જોડાયા હતા. ઝાંસીની રાણીના પૂતળાથી શરૂૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક અશાંતધારા લાગૂ કરવાની રજૂઆત કરી હતી.
જુનાગઢ હિત રક્ષક સમિતિના સંયોજક સંદીપ પેથાણીએ જણાવ્યું કે, જુનાગઢમાં અશાંતધારાની માંગણી છેલ્લા 5 વર્ષથી હિન્દુ સંપ્રદાયના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. શહેરમાં અનેક અણબનાવો બની રહ્યા છે, જેને અટકાવવા માટે આ કાયદો લાગુ કરવો અત્યંત જરૂૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે નાના શહેરોમાં અશાંતધારા લાગૂ પડે છે ત્યારે જુનાગઢ જેવા મોટા શહેરમાં પણ આ કાયદો લાગુ થવો જોઈએ.
આ રજૂઆતમાં સમિતિએ જણાવ્યું છે કે, ગુજરાતના અન્ય જિલ્લાઓમાં અશાંતધારાનો કાયદો લાગુ છે પરંતુ, જુનાગઢ હજુ પણ તેનાથી બાકાત છે. વર્ષ 2020થી 2025 સુધીમાં અનેક લેખિત આવેદનપત્રો અને અરજીઓ આપવા છતાં આજદિન સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. આના પરિણામે, જે વિસ્તારો અગાઉ સંપૂર્ણ હિન્દુ બહુમતીવાળા હતા, તે હવે અલ્પ હિન્દુ સંખ્યાવાળા બની ગયા છે. આ પરિસ્થિતિને કારણે હિન્દુ પરિવારો તેમના વિસ્તારોમાંથી પલાયન કરી રહ્યા છે અને ત્યાં અન્ય સમુદાયના પરિવારો રહેવા આવી રહ્યા છે.
સમિતિએ ચેતવણી આપી છે કે, જો આ કાયદો તાત્કાલિક લાગુ નહિ થાય, તો સમાજમાં વૈમનસ્ય ઉત્પન્ન થવાની ભીતિ છે.
સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રી સુધી તેમની લાગણીઓ પહોંચાડવા માટે વિનંતી કરી છે અને જરૂૂરી સર્વે અને કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી માંગણી પણ કરી છે.