વિંછિયામાં કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં સરકાર સામે આક્રોશ
સમાજના લોકો સામેના તમામ કેસ પાછા ખેંચવા અને મૃતક ઘનશ્યામ રાજપરાના પરિવારને આર્થિક સહાય આપવા માગણી
રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે કોળી અગ્રણીઓની હત્યા બાદ 80થી વધુ કોળી આગેવાનો અને લોકો સામે ભારે કલમો હેઠળ કેસ નોંધવાની ઘટનાના વિરોધમાં ગઇકાલે કોળી-ઠાકોર સમાજનુ સંમેલન યોજાયુ હતુ.. આ સંમેલનમાં મોટી સંખ્યામાં કોળી-ઠાકોર સમાજના સામાજિક આગેવાનો ઉપરાંત કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, પૂંજાભાઇ વંશ વિગેરે પણ હાજર રહ્યા હતા અને સરકાર સામે આક્રોશ વ્યકત કરી કોળી સમાજ સામેના તમામ કેસ પાછા ખેંચવા માંગણી કરી હતી.
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને પૂંજાભાઈ વંશ સહિતના અગ્રણી નેતાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે, રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ગેરહાજરીએ અનેક સવાલો ઉભા કર્યા હતા.
ગેનીબેન ઠાકોરે કુંવરજીભાઈની ગેરહાજરી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સંમેલન સમાજનું છે અને જો તેઓ હાજર રહ્યા હોત તો સારું થાત. તેમણે પાટીદાર સમાજના યુવાનોના કેસ જે રીતે પાછા ખેંચાયા હતા, તે જ રીતે કોળી સમાજના યુવાનો પરના કેસ પણ પાછા ખેંચવાની માંગણી કરી હતી.
કોળી સમાજના મહાસંમેલનમાં અનેક માંગણીઓ કરવામાં આવી હતી, જેમાં વસ્તી આધારિત બંધારણીય હક્ક આપવા, 38 ટકા વસ્તી ધરાવતા કોળી-ઠાકોર સમાજને વોટ બેંક ન સમજવા, સમાજનું શોષણ બંધ કરવા, સ્વ. ઘનશ્યામ રાજપરાના પરિવારને આર્થિક સહાય કરવા, અને 83થી વધુ યુવકો પર થયેલા હત્યાના પ્રયાસના કેસ પરત ખેંચવા જેવી માંગણીઓનો સમાવેશ થાય છે.
સમાજને અન્યાય સામે લડવા માટે એકઠા કરી રહ્યા છે. તેમણે સ્વ. ઘનશ્યામ રાજપરાને યાદ કરતા કહ્યું હતું કે તેઓ અન્યાય સામે લડતા શહીદ થયા હતા. ગેનીબેને એવો પણ દાવો કર્યો હતો કે સંમેલનમાં ન આવવા માટે તેમના પર ઘણા દબાણો કરવામાં આવ્યા હતા અને વિડીયો પણ બનાવવામાં આવ્યા હતા. સમાજના મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોરનું આ નિવેદન રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે, કારણ કે તેમણે ગુનાખોરી, ભ્રષ્ટાચાર અને સામાજિક નેતાગીરી જેવા ગંભીર મુદ્દાઓ પર સરકારને ખુલ્લેઆમ પડકારી છે.
સંમેલનમાં કોળી સમાજના સૌરાષ્ટ્રના સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને કોંગ્રેસ નેતા અવચર નાકીયા જેવા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
સંમેલનમાં વીંછીયામાં થયેલ પથ્થરમારાના કેસો પરત ખેંચવા, યુવાનોનું આર્થિક શોષણ બંધ કરવા, બહેન-દીકરીઓ પર અત્યાચાર બંધ કરવા, સમાજના યુવાનોની હત્યા બંધ કરવા અને સમાજને સંપૂર્ણ બંધારણીય હક આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરમાંથી કોળી અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં મહાસંમેલનમાં જોડાયા હતા.
સી.કે. પીઠવાલાએ સંમેલન સામે ઉઠાવ્યા સવાલો
કોળી સમાજના અગ્રણી ચંદ્રવદન પીઠવાલાએ સંમેલનના હેતુ અને દિશા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સંમેલન સમાજના સંગઠન માટે છે કે કોઈના અંગત સ્વાર્થને સાધવા માટે, તે એક મુંઝવણ છે. પીઠવાલાએ કોળી સમાજના પ્રશ્નોને જાહેરમાં ચર્ચવા સામે પણ અણગમો વ્યક્ત કર્યો હતો અને ચેતવણી આપી હતી કે, આમ કરવાથી સમાજનું સંગઠન તૂટી શકે છે. પીઠવાલાએ સંમેલનના નેતાઓને પ્રશ્ન કર્યો હતો કે તેઓ માત્ર વીંછીયાને જ કેમ ટાર્ગેટ કરી રહ્યા છે, જ્યારે રાજ્યમાં અન્ય ઘણા મુદ્દાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૂૂર છે. તેમણે એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે, કેટલાક લોકો રાજકારણમાં ઉપર આવવા માટે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે અને કુંવરજીભાઈ બાવળીયાની લોકપ્રિયતાને ઓછી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.