ખેડૂત પેકેજ સામે ભાજપમાં જ ભડકો, રાજીનામાનો દોર
સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ પેકેજને મજાક ગણાવી રાજીનામુ ફેંકયું
રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે જાહેર કરવામાં આવેલું સહાય પેકેજ હવે ભાજપ માટે જ માથાનો દુખાવો બન્યું છે. અમરેલી જિલ્લામાં આ પેકેજના વિરોધમાં ભાજપના જ એક સહકારી અગ્રણી નેતાએ રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. નેતાએ સ્પષ્ટ શબ્દોમાં આ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવ્યું છે, જે સરકારની નીતિઓ પર સીધો સવાલ ઉઠાવે છે.
અમરેલી જિલ્લા ભાજપમાં આ ઘટનાથી મોટો ભડકો થયો છે. રાજીનામું આપનાર નેતા છે ચેતનભાઈ માલાણી. સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને માર્કેટયાર્ડના વર્તમાન ડિરેકટર ચેતનભાઈ માલાણીએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. સરકારે જાહેર કરેલું પેકેજ ખેડૂતોને થયેલી નુકસાનીની સરખામણીએ ખુબ જ ઓછું હોવાનું જણાવી તેમણે પોતાનું રાજીનામું લેખિતમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીને મોકલી આપ્યું છે, જેના કારણે અમરેલી જિલ્લા ભાજપમાં આ રાહત પેકેજને લઇને પહેલી નારાજગી વ્યક્ત થઇ હોવાનું માનવામાં આવે છે.
ચેતનભાઈ માલાણીની નારાજગીનું કેન્દ્રબિંદુ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલું પાક નુકસાન સહાય પેકેજ છે. તેમણે આ સહાયની જાહેરાતને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવ્યું છે. ચેતનભાઈના મતે, 2024ની અતિવૃષ્ટિમાં ખેડૂતોને જે વ્યાપક નુકસાન થયું હતું, જેમા સરકારે માત્ર કપાસની ગણતરી કરી પરંતુ ડુંગળી, મગફળી, સોયાબિન પાક નુકસાનને સરકારે ધ્યાને ન લીધું, જ્યારે વર્ષ 2025 એપ્રિલ, મે માસમાં કમોસમી વરસાદે ડુંગળીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું તેમા ખેડૂતોના ખેતરમાં પડેલી ડુંગળીના નુકસાનને તેમજ સીધા કારખાને વેચાણ કરેલ ખેડૂતોને સહાયથી વંચિત રાખેલ છે. તેમણે આગળ કહ્યું કે, માત્ર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચનાર ખેડૂતોને જ સહાય મળી હોવાથી ખેડૂતો સાથે વ્હાલા-દવાલા (પક્ષપાત)ની નીતિ અપનાવવામાં આવી છે. ખેડૂત પુત્ર હોવાના નાતે, પોતાના ખેડૂત ભાઈઓ પ્રત્યે નૈતિક ફરજ નિભાવવા માટે તેમણે પક્ષ છોડવાનો નિર્ણય કર્યો છે.
આ ઘટના ભાજપ માટે માત્ર એક રાજીનામું નથી, પરંતુ એક ગંભીર ચેતવણી છે. જ્યારે વિપક્ષ સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવે ત્યારે તે સામાન્ય રાજકારણ ગણાય, પરંતુ જ્યારે પક્ષનો જ એક મહામંત્રી સ્તરનો નેતા, જે ખેતી અને ખેડૂતો સાથે સીધો જોડાયેલો છે, તે આટલો આકરો વિરોધ કરે ત્યારે તેની અસર દૂરગામી થઈ શકે છે. અમરેલી જિલ્લા ભાજપમાં સહાય પેકેજની જાહેરાત થતા જ થયેલો આ ભડાકો દર્શાવે છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેડૂત વર્ગમાં આ પેકેજને લઈને ઊંડો અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
