હાર્ટએટેકનો હાહાકાર: વધુ 4 માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ ચાર માનવ જિંદગી હાર્ટએટેકના કાળના ખપ્પરમાં હોમાઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં આધેડ અને પ્રૌઢા, જુના ટાયર લે વેચના ધંધાર્થી અને કારખાનેદારને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર આવેલા જયરામ પાર્કમાં રહેતા હસમુખભાઈ જેરામભાઈ સિદ્ધપુરા નામના 57 વર્ષના આધેડ સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં હસમુખભાઈ સિધ્ધપુરા બે બહેનોના એકના એક ભાઈ હતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે હસમુખભાઇનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં 150 ફૂટ ઉપર આવેલા કિશન પાર્કમાં રહેતા શીલાબેન રશ્મીનભાઈ સોમૈયા નામના 47 વર્ષના પ્રોઢા પોતાના ઘરે સાંજના સાતેક વાગ્યાના અરસામાં સુતા હતા ત્યારે નિંદ્રાધીન શીલાબેન સોમૈયાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો શીલાબેન સોમૈયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. શિલાબેનને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં કુવાડવા રોડ ઉપર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે આવેલ રોહિતપરામાં રહેતો કૈલાશભાઈ દેવરામભાઈ કોળી (ઉ વ 40) નામનો યુવક આજ સવારે પોતાના ઘર પાસે હતો ત્યારે અચાનક હાર્ટ એટેકનો હુમલો આવતા બેભાન થઈને ઢળી પાડતા યુવકને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવક ગાડીના જૂના ટાયર લે-વેચનું કામ કરતો હતો. તે આઠ ભાઇ એક બહેનમાં નાનો હતો. કૈલાશભાઈના મોતથી એકનાએક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ મચી જવા પામ્યો હતો.
ચોથા બનાવમાં મવડી પ્લોટમાં આવેલા બપાસિતારામ ચોક નજીક રામનગરમાં રહેતા જેન્તીભાઈ ગોરધનભાઈ વેકરીયા (ઉ.વ 49) આજે સવારે ઘરે બાથરૂૂમમાં અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. પરિવાર દ્વારા બાથરૂૂમનો દરવાજો તોડી તેઓને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરીવારમાં શોક છવાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક જેન્તીભાઈ રાવકી ગામ નજીક યોગેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કિચનવેરનું કારખાનું ધરાવે છે. તેઓ ત્રણ ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા. અને તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે