જૂનાગઢમાં બેકાબુ બનેલી એસટી બસે કાર અને રિક્ષાને અડફેટે લીધી
જૂનાગઢના ઝાંસીના પૂતળા પાસેથી પસાર થઈ રહેલી એસટી બસ બેકાબૂ બનતા નાસભાગ મચી હતી. બસની અડફેટે એક રિક્ષા અને કાર આવી જતા નુકસાન થયું હતું. જ્યારે બે લોકોને પણ સામાન્ય ઈજા થઈ હતી. વાહનોને અડફેટે લીધા બાદ બસ નજીકની દિવાલમાં ટકરાઈને ઉભી રહી ગઈ હતી. બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. જો કે, ચોક્કસ કારણ જાણવા માટે બસને હાલ એસટીના વર્કશોપમાં લઈ જવામાં આવી છે.
જૂનાગઢ-પોરબંદ રૂૂટની બસ બપોરના સમયે જૂનાગઢ શહેરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બેકાબૂ બનતા નાસભાગ મચી હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલી એક રિક્ષાને ટક્કર માર્યા બાદ રોડની સાઈડમાં ઉભેલી એક કાર સાથે અથડાઈ હતી ત્યારબાદ બસ નજીકની એક દિવાલ સાથે અથડાતા ઉભી રહી ગઈ હતી. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બસની બ્રેક ફેલ થયા બાદ ડ્રાઈવરે બસને કાબૂમાં કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આ સમયે બે ત્રણ વાહનો અડફેટે ચડી ગયા હતા. ત્યારબાદ ડ્રાઈવરે દિવાલ સાથે બસને ટકરાવી ઉભી રાખી હતી.
જૂનાગઢ એસટી વિભાગના ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતા તેઓ સુપરવાઈઝર સાથે ઘટનાસ્થળે આવ્યા ત્યારે બસ દિવાલ સાથે ટકરાયેલી હાલતમાં પડી હતી અને રસ્તા પર ટ્રાફિકજામ હતો. આ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે બસને વર્કશોપમાં તપાસ માટે મોકલવામાં આવી છે. આ બનાવમાં જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરાશે.