હેલ્મેટ, સીટબેલ્ટ, ઓવરસ્પીડ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ ઉપર તૂટી પડવા આદેશ
રાજ્યમાં વાહન અકસ્માત મૃત્યુદરમાં 50 ટકા ઘટાડાના વિઝન સાથે ‘રોડ સેફટી એકશન પ્લાન-2030’ તૈયાર
પોલીસ તેમજ આરટીઓ તંત્રને સઘન કામગીરી કરવા સુચના, લેન ડિસિપ્લિન, હાઇબીમ એલ.ઇ.ડી., ડિવાઇડરમાં તોડફોડ સામે પણ ઝુંબેશ
ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી, અકસ્માત અને તેના નિરાકરણ અર્થે જિલ્લા માર્ગ સલામતી સમિતિની કામગીરીને માર્ગદર્શન પૂરું પાડવા પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી આર. સી. મીનાના અધ્યક્ષસ્થાને ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર અનુપમ આનંદ તેમજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
રાજ્યમાં વર્ષ 2024માં વાહન અકસ્માતો, મૃત્યુદર અને તેના કારણો અંગે ઉપલબ્ધ ડેટા પરથી પ્રિન્સિપલ સેક્રેટરી આર. સી. મીનાએ રાજ્યના નેશનલ તેમજ સ્ટેટ હાઇવે પર અકસ્માતો તેમજ મૃત્યુદર ઘટાડવા જરૂૂરી એન્ફોર્સમેન્ટ, રોડ એન્જિનિયરીંગ, જનજાગૃતિ અંગે વિશેષ માર્ગદર્શન થકી સંબંધિત વિભાગોને સક્રિય કામગીરી કરવા સૂચના આપી હતી.
વર્ષ 2024નાં આંકડા મુજબ રાજ્યમાં 57 ટકા અકસ્માત એક્સપ્રેસ વે, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ પર થતા જોવા મળ્યાં છે. 48 ટકા જેટલા વાહન અકસ્માત ટુ-વ્હીલર્સના હોય છે. જેમાં મોટાભાગનાં ચાલકોએ હેલ્મેટ ન પહેરી હોય તેવી વિગતો સામે આવી છે. આ ઉપરાંત, કાર ઓવરસ્પીડ અને સીટબેલ્ટ ન પહેરવાના કારણે પણ અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ વધારે હોવાના કારણો સામે આવ્યા છે. ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર અનુપમ આનંદ તેમજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલે આ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્યોને વિવિધ સૂચનાઓ આપી હતી. જેમાં વાહન અકસ્માતનું પ્રમાણ ઘટાડવા હેલ્મેટ ઝુંબેશ, સીટબેલ્ટ, ગતિ નિયંત્રણનાં પગલાં, રોંગ સાઈડ ડ્રાઇવીંગ, લેન ડિસિપ્લિન, હાઈ બીમ એલ.ઈ.ડી., ગેરકાયદે મીડિયન ગેપ તોડતા લોકો વિરુદ્ધ પોલીસ, આર.ટી.ઓ. સહિતના વિભાગ દ્વારા સઘન પગલાં લેવા તમામ અધિકારીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ સ્ટેટ હાઇવે પર રોડ એન્જિનિયરીંગ અંગે જરૂૂરી કામગીરી કરવા, રોડ/બ્રીજનું યોગ્ય મેન્ટેનન્સ અને ઓડીટ, સાઈનેજીસ, રમ્બલ સ્ટ્રીપ, બ્લેક સ્પોટ પર કામગીરી કરવા અનુપમ આનંદ તેમજ સતીશ પટેલે ખાસ સૂચના આપી હતી. આ બેઠકમાં ધોરીમાર્ગ પર અકસ્માતમાં ઘાયલ લોકોને એમ્બ્યુલન્સની ઝડપી સેવા મળે તે માટે 108, આરોગ્ય વિભાગને માર્ગદર્શન પૂરૂૂ પડાયું હતું. માર્ગ સલામતી અંગે વિશેષ જનજગૃતિ અભિયાન ચલાવવા તેમજ શાળા-કોલેજો તથા એન.સી.સી., એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓને જોડવા અપીલ કરી હતી.
કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્યમાં વર્ષ 2030 સુધીમાં વાહન અકસ્માતમાં થતાં મૃત્યુદરને 50 ટકા સુધી ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘રોડ સેફ્ટી એક્શન પ્લાન-2030’ તૈયાર કરવામાં આવ્યો છે. જેની અમલવારી કરવા જિલ્લા અને શહેર માર્ગ સલામતી સમિતિ સૂચારૂૂ કામગીરી કરે તે માટે આ બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી સમિતિની આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, વાહન-વ્યવહાર અધિકારી કેતન ખપેડ, જે.વી.શાહ, જયેશભાઈ ઉપાધ્યાય, સિવિલ આર.એમ.ઓ. હર્ષદ દૂસરા, સહિત સમિતિનાં સભ્યો, હાઇવે ઓથોરિટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.