ધાર્મિક સ્થળોના ડિમોલિશનને રૂક જાવનો આદેશ
રિઝર્વેશન, સરકારી પ્લોટ અને રોડ-રસ્તા પર થયેલા 2108 ધાર્મિક બાંધકામોનો સરવે થયા બાદ હવે 30 સપ્ટેમ્બર સુધી કોઈ કાર્યવાહી નહીં થાય
રાજકોટમાં છેલ્લા અનેક વર્ષોથી રોડ રસ્તામાં નડતરરૂપ તેમજ મનપાની રિઝર્વેશનની જગ્યા અને સરકારી પ્લોટ ઉપર ધાર્મિક સ્થળોમાં વધારો જોવા મલી રહ્યો છે. આડેધડ ધાર્મિકસ્થળોનું બાંધકામ થઈ જતાં અંતે સરકારની સુચનાથી ગેરકાયદેસર જમીનો ઉપર થયેલા ધાર્મિક બાંધકામો હટાવવાની સુચના આપવાની જે અંતર્ગત ગત માસે શહેરમાં આવેલા 2108 ધાર્મિક સ્થળોનો સર્વે કરી 16થી વધુ ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને તોડી પાડવા માટે તેમજ અન્ય વિકલ્પ આપવામાં આવ્યો હતો. પરંતુ આ મુદ્દે ભારે હોબાળો બોલી જતાં હવે સરકારે પરિપત્ર જાહેર કરી 30 સપ્ટેમ્બર સુધી ધાર્મિક સ્થળો વિરુદ્ધ કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરવાની સુચના આપી છે.
મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા અને બાંધકામ વિભાગ દ્વારા શહેરના તમામ ધાર્મિક બાધકામોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક રાજ્ય સરકારોને ગેરકાયદેસર ધર્મસ્થળો દૂર કરવામાં આવેલા હુકમના પગલે સરકારની સુચનાથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનના સુત્રોના કહેવા મુજબ રાજકોટ શહેરમાં ગેરકાયદેસર ધર્મસ્થળોનો સર્વે કરવામાં આવ્યો હતો જે દરમિયાન ઈસ્ટ ઝોનમાં 1020, વેસ્ટ ઝોનમાં 456 અને સેન્ટ્રલ ઝોનમાં 632 મળી કુલ 2108 જેટલા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો હોવાનું બહાર આવ્યું છે. આગામી દિવસોમાં આ તમામ ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો દૂર કરવા ક્રમશ: કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં 16 ધાર્મિક સ્થળોને દૂર કરવા માટેની નોટીસ આપવામાં આવી છે. અને પાંચ ધાર્મિક સ્થળ સીલ કરાયા છે. આથી ધર્મપ્રેમી લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો અને આ મુદ્દે કોર્પોરેશનમાં તેમજ સરકાર સુધી રજૂઆત થતાં હાલ ચોમાસુ હોવાના કારણે અને હોબાળો શાંત થઈ જાય ત્યાં સુધી કાર્યવાહી મુલતવી રાખવાનું મુનાશીપ સમજી સરકારે 30 સપ્ટેમ્બર સુધી ધાર્મિક સ્થળો વિરુદ્ધ કોઈ જાતની કાર્યવાહી ન કરવાની સુચના આપી હોવાનું જાણવા મળેલ છે.
તંત્રએ આપેલા વિકલ્પો અંતર્ગત કામગીરી થશે
સરકારી જગ્યા ઉપર તેમજ રોડ-રસ્તા ઉપર થયેલા ધાર્મિક સ્થળોનો સર્વે કરી ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને નોટીસ આપવામાં આવી છે. પરંતુ હાલ આ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવી છે છતાં અત્યાર સુધીમાં 2108 ધાર્મિક સ્થળોનો સર્વે થયો છે અને 16 ધાર્મિક સ્થળોને નોટીસ અપાઈ છે ત્યારે બાકી સરકારી જગ્યા ઉપર તેમજ રોડ રસ્તા ઉપર થયેલા ધાર્મિક સ્થળોને અન્ય સ્થળે ખસેડવા માટેનો વિકલ્પ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. આથી આ પ્રકારના ધાર્મિક સ્થળોના સંચાલકો આ મુદ્દે તંત્રને અરજી કરી કાર્યવાહી કરી શકશે.