ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પાસપોર્ટ રિન્યૂ કરવાનો આદેશ
સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પાસપોર્ટને રિન્યુ કરવા માટેની અરજીમાં નિર્ણય લેવા હાઇકોર્ટ દ્વારા પાસપોર્ટ ઓથોરિટીને આદેશ કરાયો છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે, ઓગસ્ટ, 1993ના સરકારના વિદેશ મંત્રાલયના જાહેરનામા કે પરિપત્રની શરતોને ધ્યાનમાં રાખીને પાસપોર્ટ ઓથોરિટીને 5 વર્ષની અવધિ માટે પાસપોર્ટ ઇશ્યૂ કરવા અંગેનો નિર્ણય લે. આ નિર્ણય હાઇકોર્ટના આદેશની નકલ મળવાના ચાર સપ્તાહની અંદર આ કરવાનો રહેશે. ઉપરોક્ત આદેશ સાથે હાઇકોર્ટે વિમલ ચુડાસમાની અરજીનો નિકાલ કર્યો હતો.
નોંધનીય છે કે વિમલ ચુડાસમાને IPC કલમ 323 અંતર્ગત ઈજા પહોંચાડવા માટે 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સાથેની સજા, 148 અંતર્ગત હુલ્લડ માટે સજા, ઘાતક હથિયાર માટે 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ, 147 અંતર્ગત હુલ્લડો માટે 2 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને હેઠળના ગુના માટે મેજિસ્ટ્રેટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમને 6 મહિનાની સાદી કેદની સજા કરવામાં આવી હતી.
આની સામે તેમણે સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી હતી. સેશન્સ કોર્ટે સજાની અરજીને સ્થગિત કરવાની મંજૂરી આપી હતી પરંતુ દોષિત ઠરાવવાની અરજીને ફગાવી દીધી હતી. દોષિત ઠેરવવાની અરજીને સ્થગિત કરવાના ઇનકાર સામે ચુડાસમાએ હાઇકોર્ટમાં રિવિઝન અરજી કરી હતી, જેની સુનાવણી પેન્ડિંગ છે. આ કેસની પેન્ડન્સીને જોતા પાસપોર્ટ ઓથોરિટીએ તેમનો પાસપોર્ટ રિન્યુ કરવાનો ઇનકાર કરી દીધો હતો.