પડધરી પાસે કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને રૂા.15 કરોડનું વળતર ચૂકવવા હુકમ
મુંબઈ ખાતે જોડર સર્વીસીસ પ્રાઈવેટ લીમીટેડમા નોકરી કરતો યુવાન વાડિનાર મુકામે શિપ વિઝીટમા આવ્યા હતા. પરત ફરતી વખતે પડધરી પાસે સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જે ક્લેઇમ કેસમાં મૃતકના વારસદારોને 15 કરોડનુ વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટે આદેશ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ મુંબઈ ખાતે રહેતા રાણાપ્રતાપસિહ દેવનારાયણસિંહ મુંબઈમાં જ જોડર સર્વીસીસ પ્રાઈવેટ લીમીટેડમા ટેકનીકલ સુપ્રિસ્ટેડેન્ટ તરીકે વાર્ષીક રૂૂ.62.29 લાખના પેકેજમા નોકરી કરતા હતા અને કંપનીના કામે ગુજરાતમાં વાડિનાર મુકામે શિપ વિઝીટમા આવ્યા હતા. કંપનીનુ કામ પતાવીને પરત મુંબઈ જવા માટે સનરીજ લોજીસ્ટીક પ્રાઈવેટ લીમીટેડ કંપનીની માલીકીની કારમા બેસીને વાડિનારથી હિરસર એરપોર્ટ રાજકોટ મુકામે જવા નીકળ્યા ત્યારે રાજકોટ-જામનગર હાઈવે ઉપર પડધરી પાસે આગળ જતી અન્ય કારમા પંચર પડતા તેના ડ્રાઈવરે બ્રેક મારતા ઈનોવા કારના ચાલકે કાબુ ગુમાવતા ઈનોવા કાર પલ્ટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં ઘવાયેલા મુસાફર રાણાપ્રતાપનુ સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. જેથી મૃતક યુવાનના વારસો દ્વારા પોતાના વકિલ મારફત રાજકોટની મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ સમક્ષ બજાજ એલીયાન્સ વીમા કંપની સામે રૂૂ.15 કરોડનું વળતર મેળવવા અરજી દાખલ કરી હતી.
આ કામે ગુજરનાર રાણાપ્રતાપ દેવનારાયણ સિંહના વારસદારો વતી રાજકોટના અકસ્માત વળતરના નિષ્ણાંત એડવોકેટ કલ્પેશ કે. વાઘેલા, અર્જુન ડી. કારીયા (ગઢવી) અને કરણ ડી. કારીયા (ગઢવી) રોકાયા હતા.