પાટીદાર દીકરીઓ વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે, કાજલ હિન્દુસ્તાની સામે કેસ કરવા હુકમ
મનોજ પનારાની અરજી માન્ય રાખી 17 સપ્ટે.ના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ જારી કરાયું
મોરબી કોર્ટે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં કાજલ હિંદુસ્તાની સામે ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ વર્ષ 2023માં સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં કાજલ હિંદુસ્તાનીએ મોરબીની સાત પાટીદાર દીકરીઓ વિશે કરેલા વિવાદિત નિવેદનને લગતો છે.
કોર્ટના આદેશ મુજબ, કાજલ હિંદુસ્તાનીને 17 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવશે. આ નિર્ણય 2 એપ્રિલ, 2024ના રોજ દાખલ કરવામાં આવેલી અરજીના આધારે લેવામાં આવ્યો છે, જેમાં કાજલ હિંદુસ્તાની સામે કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું કે, જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે, તેનાથી મોરબીના પાટીદાર સમાજની માન, મર્યાદા અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાય છે.
સુરતના કાર્યક્રમમાં મોરબીની 7 પાટીદાર દીકરીઓ વિષે ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી માફીની માંગ કરવામાં આવી હતી. છતાં કાજલ હિન્દુસ્તાનીએ માફી ના માંગતા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા મનોજ પનારાએ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવા અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો છે.મનોજ પનારા દ્વારા કાજલ હિન્દુસ્તાનીને તા. 08 06 2023 ના રોજ સુરતના કાર્યક્રમમાં પાટીદાર દીકરીઓ વિષે કરેલી ટીપ્પણીને પગલે કોર્ટમાં કેસ દાખલ કરવા અરજી કરવામાં આવી હતી. જે મામલે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં માહિતી આપતા એડવોકેટ જયદીપ પાંચોટિયાએ જણાવ્યું હતું કે તા. 02 04 2024 ના રોજ અરજી દાખલ કરવામાં આવી હતી જે કોર્ટે ક્રિમીનલ ઇન્ક્વાયરી નંબર ચાલી જતા 14 ઓગસ્ટના રોજ કોર્ટે ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો છે
અને આગામી તા. 17 09 24 ના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવાશે.કોર્ટે હુકમ કરતા જણાવ્યું છે કે, આ પ્રકારની ટીપ્પણીથી મોરબીના પટેલ સમાજની માન, મર્યાદા અને પ્રતિષ્ઠાને હાની પહોંચેલ હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જણાતું હોય જેથી ફરિયાદીની ફરિયાદ ફોજદારી કેસ રજીસ્ટરે લેવાનો હુકમ કરવામાં આવે છે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ 499,500 અન્વયેના ગુના સંબંધે સાહેદ લીસ્ટ, ફરિયાદ અને દસ્તાવેજોની નકલો રજુ કર્યેથી પ્રસેસ ઈશ્યુ કરવાનો હુકમ કરવામાં આવે છે.