કોંગ્રેસની શિબિરમાં ગેરહાજર રહેતા પ્રતાપ દુધાતની હકાલપટ્ટીનો આદેશ
નબળી કામગીરી કરનાર અન્ય 9 શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને નોટિસ
જુનાગઢના ભવનાથ ખાતે ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાસચિવ સહીતના ટોચના નેતાઓ હાજર હોવા છતાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ગેરહાજર રહેતા હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી હતી અને કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પ્રતાપ દુધાતના સ્થાને નવા પ્રમુખની નિમણુંકનો નિર્દેશ આપ્યો હતો.
આ ઉપરાંત 9 શહેર- જિલ્લા પ્રમુખોના નબળા પ્રદર્શનને લઇ તમામને નોટીસ આપી 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું હતું કે કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેમને પ્રોત્સાહન મળશે. જે લોકો કામ નહીં કરે તેમની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે. પ્રતાપ દૂધાતના સ્થાને કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂક કરશે.
ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જૂનાગઢ ખાતે આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શહેર-જિલ્લાના પ્રમુખોની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી આ શિબિરમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જે નેતાઓ કામ કરવા ઈચ્છતા નથી તેમને પક્ષમાંથી તાત્કાલિક બહાર કાઢી મૂકવા જોઈએ.
તેમણે આવા નેતાઓને સડેલી કેરી સાથે સરખાવ્યા, જે આખી ટોપલીને ખરાબ કરી શકે છે. ખડગેએ 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને પર્ફોર્મન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો તેઓ આ સમયગાળામાં કામગીરીમાં સુધારો નહીં કરે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે, એવી ચેતવણી પણ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યના શહેર અને જિલ્લાના 41 પ્રમુખોમાંથી 9 લોકો પાછળ છે, જે અપેક્ષા કરતાં પણ અલગ છે. એમાં ગાંધીનગર અને આણંદ સહિતના છે. આ ઉપરાંત પર્ફોર્મન્સમાં 6 જિલ્લા પાછળ છે, જ્યારે રેન્કિંગ આપવામાં આવ્યું છે એમાં 9 જિલ્લા નંબર 1 પર છે. 11 જિલ્લા નંબર 2 પર છે જ્યારે 19 જિલ્લા નંબર 3 અને તેનાથી પણ પાછળ છે.
પ્રતાપ દૂધાતના કાકાનું અવસાન થયું હોવાથી ગેરહાજર: લાલજી દેસાઈ
ખડગેના નિવેદનને લઈને લાલજી દેસાઈને પ્રતાપ દૂધાત ગેરહાજર હોવા અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પ્રતાપ દૂધાતે વિધિવત રજા ચિઠ્ઠી મૂકી છે. તેમના કાકાનું અવસાન થયું હોવાથી તેઓ આવી શક્યા નથી, પરંતુ અમે અહીં હાલ પોલિટિક્સ કરવા માગતા નથી. આ અમારી આંતરિક બાબત છે.
વોટચોરી જ મુખ્ય મુદ્દો: રાહુલ
જુનાગઢમાં ભવનાથ ખાતે ચાલી રહેલી કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા આજે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી આવી પહોંચ્યા છે. કેશોદ એરપોર્ટ ઉપર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં મુખ્ય મુદ્દો તો વોટચોરીનો છે. અમે હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વોટચોરી થઇ છે તે બતાવ્યું.