ભીડવાળા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન પહેલા કરવા આદેશ
ટીઆરપી ગેમ ઝોન દૂર્ઘટનામાં ગેરકાયદેસર બાંધકામ કારણભૂત નિકળ્યું છે. ત્યારે આ પહેલા બની ગયેલા સેંકડો ગેરયાદેસર બાંધકામોએ જેમને 260/2ની નોટીસ આપવામાં આવી હોય અને આજ સુધી કોઈ કાર્યવાહી ન થઈ હોય તેવા બાંધકામો હટાવવા મનપાએ હવે તૈયારી આરંભી છે. અને ત્રણેય ઝોનમાં આ પ્રકારના બાંધકામોની યાદી તૈયાર કરી પ્રથમ કોમર્શીયલ ગેરકાયદેસર બાંધકામો કે જ્યાં વધુ ભીડ એકથી થતી હોય તેવા બાંધકામોને ઝડપથી ડિમોલેશન કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ નોટીસનો જવાબ આવી ગયેલ હોય તેવા બાંધકામોનું પણ રિચેકીંગ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.
મનપાના મ્યુનિસિપલ કમિશનરે દેવાંગ દેસાઈએ જણાવેલ કે, ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ટીપી વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં ચાલુ રહેલા તમામ ગેરકાયદેસર બાંધકામોને પ્રથમ 260/1 નોટીસ આપવામાં આવી છે. તેમજ આ નોટીસ આપ્યા બાદ સંતોષ જનક જવાબ ન આવ્યો હોય અને નિયમ વિરુદ્ધ બાંધકામ હોય તેવા ગેરકાયદેસર બાંધકામોને 260/2ની નોટીસ આપવાનું કામ ચાલુ છે. પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન 260/2ની નોટીસ અપાઈ ગઈ હોય અને આ બાંધકામ વિરુદ્ધ કોઈ જાતની કાર્યવાહી આજ સુધી કરવામાં ન આવી હોય તેવા ગેરકાયદેસર બાધકામોનું લીસ્ટ તૈયાર કરવા માટે જોનવાઈઝ સુચના આપવામાં આવી છે.
જેમાં મોલ તેમજ કોમર્શીયલ બિલ્ડીંગો કે જ્યાં વધુ માત્રામાં ઓફિસો તેમજ દુકાનો હોય અને વધુ લોકો એકઠા થતાં હોય તેવા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ઝડપી અને પ્રથમ કાર્યવાહી કરવામાં આવશે. તેવી જ રીતે રહેણાકના બાંધકામોમાં પણ વધારાનું બાંધકામ થયું હોય અને ઈમ્પેક્ટ ફીના કાયદામાં ન આવતા હોય તે પ્રકારના બાંધકામો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરાશે હાલ ત્રણેય ઝોનમાં અધિકારીઓને તેમના ઝોનમાં આવતા તમામ વોર્ડમાં આવેલ ગેરકાયદેસર બાંધકામોનું લીસ્ટ તૈયાર કરવાની સૂચના તેમજ અગાઉ 260/2ની નોટીસ અપાઈ હોય અને કાર્યવાહી બાકી હોય તેવા ગેરકાયદેસર બાંધકામોની ફરી વખત સ્થળ તપાસ કરી તેનું અલગથી લીસ્ટ તૈયાર કર્યા બાદ ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે.
ગેરકાયદેસર ડોમની ઉપાધી હવે ફાયર વિભાગ કરશે
શહેરમાં બિલ્ડીંગો ઉપર ગેરકાયદેસર ડોમ બનાવ્યા બાદ ફાયર એનઓસી મેળવવા માટે આસામીઓ દ્વારા ઈમ્પેક્ટ ફીનો ફાયદો લઈ આ પ્રકારના ડોમ કાયદેસર કરી નાખવામાં આવ્યા છે. પરંતુ આ ડોમનો ઉપયોગ થઈ શકે કે કેમ તે અંગે પુછતા મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, કોઈ પણ એક મંજુરી મળવાથી બાંધકામ કાયદેસર થઈ જતુ નથી. દરેક વિભાગના નિયમોની અમલવારી કરવાની હોય છે. જેમાં ઈમ્પેક્ટ ફી હેઠળ ડોમ કાયદેસર કરી લીધા હોવા છતાં ફાયર વિભાગના નિયમ મુજબ આ ડોમ ગેરકાયદેસર હશે તો આ ડોમમાં કોઈ જાતની પ્રવૃત્તિ થઈ શકશે નહીં આથી હવે ઈમ્પેક્ટ ફી હેઠળ બની ગયેલા ડોમની ઉપાધી ફાયર વિભાગને કરવાની રહેશે.
સર્કલ નાના કરવામાં અનેક સમસ્યા
રાજકોટ શહેરમાં આવેલા અનેક સર્કલો મોટા હોવાના કારણે વાહન ચાલોકને મુશ્કેલી પડી રહી છે. જેના કારણે મનપાએ એજન્સી મારફત વાહન વ્યવહારની ગતિવિધ સર્કલ ઉપર ક્યા પ્રકારની થઈ રહી છે તેનો સર્વે કરવામાં આવેલ અને સર્વેના રિપોર્ટ મુજબ અમુક સર્કલોની ગોળાઈ નાની કરવી પડે તેવું છે પરંતુ મોટાભાગના સર્કલો ઉપર ટ્રાફિક સિગ્નલ તેમજ સીસીટીવી કેમેરા અને સર્કલો દૂર કર્યા બાદ રોડ બનાવવા સહિતની સમસ્યાઓ હોવાના કારણે હાલ કેમેરા નું સ્થળાંતર કરવાની સૂચના અપાઈ છે. છતાં સર્કલો નાના કરવા માટે તુરંત કાર્યવાહી થઈ શકતી નથી. તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.