રાજ્યના 15 જિલ્લાની 2398 ગ્રાન્ટેડ શાળાનું ખાતાકીય ઓડિટ કરવા આદેશ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના ખાતાકીય ઓડિટને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ કેમ્પ યોજવા માટે આદેશ કર્યો છે. જેમાં 15 એપ્રિલથી લઈને 19 જુલાઈ સુધી રાજ્યના 15 જિલ્લાની શાળાઓનું ખાતાકીય ઓડિટ પૂર્ણ કરાશે. આ 15 જિલ્લાની કુલ 2398 શાળાઓનું ખાતાકીય ઓડિટ કરવામાં આવનાર છે. જેમાં ઓડિટ માટેની જુદીજુદી 3 ટીમોની રચના કરવામાં આવી છે. અમદાવાદ શહેરની 393 શાળાઓના ખાતાકીય ઓડિટ માટે 15 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન કેમ્પનું આયોજન કરયું છે.
રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખાતાકીય હિસાબી ઓડિટ કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને ઓડિટની કામગીરી પૂર્ણ કરવા માટે જણાવાયું છે.
જેથી જિલ્લાની કચેરી દ્વારા સંબંધિત શાળાઓને જાણ કરી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ- આચાર્યને સંપૂર્ણ રેકર્ડ સાથે હાજર રહેવા માટે તાકીદ કરવા સૂચના અપાઈ છે. રાજ્યમાં જુદીજુદી 3 ટીમો દ્વારા ઓડિટની કામગીરી કરવામાં આવશે. જેમાં 2021-22ના વર્ષના ઓડિટ સાથે અગાઉના બાકી રહેલા વર્ષોના ઓડિટની કામગીરી પૂર્ણ કરવા માટે જણાવાયું છે. ટીમ-1 દ્વારા 15 એપ્રિલથી 19 જુલાઈ સુધીમાં ઓડિટની કામગીરી પૂર્ણ કરવામાં આવશે,
જેમાં 7 જિલ્લાની 762 શાળાનો સમાવેશ કરાયો છે. જ્યારે ટીમ-2 દ્વારા 15 એપ્રિલથી 18 જુલાઈ દરમિયાન ચાર જિલ્લામાં ઓડિટની કામગીરી કરાશે, જેમાં 815 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમ-3 દ્વારા 15 એપ્રિલથી 19 જુલાઈ દરમિયાન ચાર જિલ્લામાં ઓડિટની કામગીરી કરાશે, જેમાં 821 શાળાનો સમાવેશ કરાયો છે. અમદાવાદ શહેરની 393 શાળાનું ખાતાકીય ઓડિટ પણ 15 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન કરવા માટે કાર્યક્રમ જાહેર કરાયો છે. જેને લઈને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રાયખડ ખાતે આવેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ખાતાકીય ઓડિટ કેમ્પનું આયોજન 15 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે. આમ, શાળાઓના ખાતાકીય ઓડિટની કામગીરી અમદાવાદ શહેરમાં એક સપ્તાહમાં પૂર્ણ કરી દેવાશે.