બોર્ડમાં વિપક્ષની સટાસટી, કમિશનરને પરસેવો છૂટી ગયો
ફલાવર બેડની વિગતના વશરામભાઇના પ્રશ્ર્નના જવાબમાં સ્થળ તપાસ સહિતની કામગીરીની તારીખ વાઇઝ માહિતી આપવામાં અધિકારીઓ હાંફળાફાંફળા
મહાનગર પાલિકાનાં જનરલ બોર્ડમા આજે પ્રથમ પ્રશ્ર્ન વિપક્ષનો હોવાથી ભારે ઉતેજનાનો માહોલ જોવા મળી રહયો હતો. બોર્ડની કાર્યવાહી દરમ્યાન વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ અત્યાર સુધીમા આપેલ બીયુ પરમીશન અને ફલાવર બેડ અંગેની માહીતી પુછતા મ્યુનિસિપલ કમિશનરે જવાબ આપવાનુ શરુ કર્યુ હતુ . પરંતુ ફલાવર બેડનાં નિયમો મુજબ મંજુરી આપતા પહેલા સ્થળ તપાસ અને મંજુરી આપ્યાની તારીખ દર્શાવવાની હોય છે. જેની સામે કમિશનરે ફકત વોર્ડ વાઇઝ મંજુર થયેલ ફલાવર બેડની વિગતો આપતા વશરામભાઇએ તારીખ વાઇઝ જવાબ માગતા થોડા સમય માટે કમિશનરને પણ પરસેવો છુટી ગયો હતો અને ટીપી વિભાગનાં અધીકારીઓ તારીખ વાઇઝનાં ડોકયુમેન્ટ શોધવા હાંફળાફાંફળા થઇ ઉઠયા હતા. જે તમાસો શાસક પક્ષનાં તમામ સભ્યોએ શાંતચિતે નિહાળ્યો હતો.
વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ સરકાર દ્વારા તા. 16-10-25 નાં રજુ કરેલ પરીપત્ર મુજબ આજ સુધીમા કેટલા ફલાવર બેડવાળા બિલ્ડીંગોને બીયુ પરમીશન આપવામા આવ્યુ તે અંગેનો પ્રશ્ર્ન પુછવામા આવ્યો હતો. અગાઉથી તૈયારી સાથે આવેલા મ્યુનિસિપલ કમીશનરે જવાબ આપવાનુ શરૂ કરી સેન્ટ્રલ, વેસ્ટ અને ઇસ્ટ ઝોનનો હિસાબ આપી દીધો હતો . કુલ 99 અરજી આજસુધી આવી છે. તેમ જણાવેલ. જે પૈકી 8 મિલ્કતોને બીયુ સર્ટી અપાય ગયા છે તેમ જણાવતા વશરામભાઇએ સંપુર્ણ વિગત સાથે જવાબ રજુ કરવા જણાવેલ . તેમજ વોર્ડ વાઇઝ મંજુર થયેલ મિલ્કતો તેમજ અધીકારીઓએ સ્થળ તપાસ કરી પોતાનો અભિપ્રાય આપ્યો હોય તે તારીખ તેમજ જે તારીખે મંજુરી આપી હોય તે તારીખનાં ઉલ્લેખ સાથે જવાબ આપવામા આવે તેવુ જણાવતા કમિશનર પાસે ટીપી વિભાગે આપેલ ડોકયુમેન્ટમા તારીખનો ઉલ્લેખ ન હોવાથી કમિશનર હાંફળાફાંફળા થઇ ઉઠયા હતા.
અને પાછળ બેઠેલા ટીપી વિભાગનાં અધીકારીઓને આ મુદે જવાબ આપવાનુ કહી પોતાનાં ઉપર આવેલ સમસ્યાને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો . ટીપી અધીકારીએ પણ તારીખ વાઇઝ વિગત ન હોવાનુ જણાવી પ્રશ્ર્નોથી છેડો ફાડવાનો પ્રયાસ કર્યો હતો . ત્યારે વશરામભાઇએ સરકારે મોકલેલ ફલાવર બેડ અંગેનાં પરીપત્રની વિગત માગતા કમિશનરે અંગ્રેજીમા જવાબ આપવાનુ ચાલુ કરેલ જેથી વશરામભાઇએ ગુજરાતીમા જવાબ આપો તેવુ જણાવતા શાસક પક્ષને મોકો મળી ગયો હોય તેમ અંગ્રેજી અંગ્રેજીનાં નારાઓ સાથે ગુપ ચુપ ચાલુ કરી દીધી હતી . છતા મ્યુનિસિપલ કમિશનરે સમય પારખી ગુજરાતીમા જવાબ આપી વિપક્ષનો પ્રશ્ર્ન ઝડપથી આટોપાય તેવુ પગલુ ભર્યુ હતુ.
આજનાં જનરલ બોર્ડમા વિપક્ષી નેતા દ્વારા પુછવામા આવેલા પ્રથમ પ્રશ્ર્નનાં જવાબમા જ બોર્ડનો સમય પુર્ણ કરી નાખવામા આવેલ છતા વશરામભાઇએ પુછેલા પ્રશ્ર્નનો તારીખ વાઇઝ જવાબ તેમને મળી શકયો ન હતો પ્રશ્ર્નોતરી દરમ્યાન વશરામભાઇએ જણાવેલ કે ફલાવર બેડનો પ્રશ્ર્ન ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ જ કેમ ઉભો થયો છે . અને ફકત રાજકોટ માટે આ પ્રશ્ર્ન કેમ થયો. તેમ પુછતા કમિશનરે તમામ મહાનગર પાલિકાઓ માટે આ નિયમ સરકાર દ્વારા અમલી બનાવ્યો છે. તેવો જવાબ આપી ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.
તેવી જ રીતે વશરામભાઇએ રેરામા કયા પ્રકારના: બાંધકામોને મંજુરી આપવામા આવી રહી છે તેમજ રેરામા આવતા કેવા બાંધકામોને ફલાવર બેડમા સમાવેશ કરવામા આવે છે જેમા અધીકારીઓએ એક બિલ્ડીંગમા 8 યુનીટથી વધારે અને 500 મીટરથી વધુ પ્લોટ એરીયા હોય તે તમામ બાંધકામોને લાભ આપવામા આવી રહયો છે તેમ જણાવ્યુ હતુ . છતા એક કલાક સુધી વશરામભાઇ દ્વારા પોતાનાં ફલાવર બેડનાં પ્રશ્ર્ન ઉપરાંત અન્ય પેટા પ્રશ્ર્નો પુછી આજે બોર્ડમા કમિશનર અને અધિકારીઓની ઉંઘ ઉડાડી દીધી હતી જયારે શાસક પક્ષ પાસે પણ કશુજ બોલવાનુ ન હોય શાસક પક્ષનાં સભ્યોએ આજે શાંત રહેવાનુ મુનાસીબ સમજયુ હતુ.
અગાઉ અપાયેલ મંજૂરી કાયદેસર કે ગેરકાયદેસર ?
વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ સરકારનાં પરીપત્ર મુજબ ફલાવર બેડને મંજુરી આપવાની પ્રક્રીયામા આજ સુધીનો હિસાબ માંગ્યો હતો જેમા મ્યુનિસપલ કમિશનરે સરકારી સુચના મુજબ ઓકટોબર 2024 પછીનાં બાંધકામોેને મંજુરી આપવાનુ જણાવવામા આવ્યુ છે તેમજ તા. 16-10-25 નાં પરીપત્ર મુજબ અને તેમા ઉલ્લેખ થયેલા નિયમો મુજબ મંજુરી આપવામા આવેલ તેવી સુચના આપવામા આવી છે . આથી વશરામભાઇએ જણાવેલ કે અગાઉનાં વર્ષોમા શહેરમા અનેક હાઇરાઇઝ બિલ્ડીંગોમા ફલાવર બેડ બનાવી તેને મંજુરી આપી બીયુ પરમીશન આપી દેવામા આવી છે તો આ તમામ મંજુરી હવે ગેરકાયદેસર ગણાશે કે કાયદેસર તેવો પ્રશ્ર્ન પુછતા તેમને ટીપી વિભાગનાં અધીકારીઓ કે મ્યુનિસિપલ કમિશનર તરફથી જવાબ મળ્યો ન હતો . અને આ મુદે વિપક્ષ દ્વારા આગામી દીવસોમા પણ અગાઉ થયેલા ફલાવર બેડવાળા બાંધકામનો હિસાબ માગવામા આવશે તેમ જાણવા મળેલ છે.
ફલાવર બેડમાં પ્રશ્ર્નોત્તરી સમય વેડફાયો, ખાડાની ‘પીડા’ ભૂલાઇ ગઇ
મનપાનાં જનરલ બોર્ડમા આજ રોજ વિપક્ષી નેતાએ પુછેલા ફલાવર બેડ અને બીયુ પરમીશન અંગેનાં પ્રશ્ર્નનાં જવાબમા સમય વેડફી નાખવામા આવ્યો હતો . એક ચર્ચા મુજબ ફલાવર બેડની સમસ્યા સાથે લોકોને કોઇ જાતનો લાગે વળગે તેમ નથી . આ ફકત બિલ્ડરો માટે છે . છતા કોઇ પ્રકારનો કૌભાંડ બહાર આવે તેવી શકયતાનાં આધારે વિપક્ષ દ્વારા આ પ્રશ્ર્ન પુછવાનો હેતુ હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરનાં તુટી ગયેલા રોડ - રસ્તાઓ અને ખાડાઓ અંગે બોર્ડમા એક શબ્દ શાસક અથવા વિપક્ષ દ્વારા બોલવામા ન આવતા જનરલ બોર્ડ ફકત આક્ષેપો અને સમય પસાર કરવા માટે બોલાવવામા આવતુ હોય અને પ્રજાની સમસ્યાનો મુદો ઉઠાવવામા ન આવતો હોય તેવુ ફરી એક વખત જોવા મળ્યુ હતુ.
સ્વર્ગવાસી મનસુખભાઇ જોશીનો શોક ઠરાવ ભૂલી જવાયો
મનપાનાં બોર્ડમા પ્રારંભે પુર્વ કોર્પોરેટર લલીતાબેન છગનલાલ જાનીનુ તા. 18-9 નાં રોજ અવસાન થતા તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી બે મિનીટ મૌન પાળવામા આવ્યુ હતુ. પરંતુ તાજેતરમા મનપાનાં પુર્વ સભ્ય મનસુખલાલ છગનલાલ જોશીનુ તા 10-11 નાં રોજ દુ:ખદ અવસાન થયુ છે છતા તેમનાં નામનો શોક ઠરાવ કરવાનુ શાસકો ભુલી જતા વિપક્ષ દ્વારા શ્રધ્ધાંજલી અપાય હતી . અને ત્યારબાદ સ્ટેન્ડીંગ ચેરમેને ભુલ સુધારી અધ્યક્ષને આ મુદે ટકોર કરતા બોર્ડ પુર્ણ થયુ તે પહેલા મનસુખભાઇ જોશીને શ્રધ્ધાંજલી પાઠવી બે મીનીટ મૌન પાળવામા આવ્યુ હતુ.
નાયબ કમિશનર સહિતને 12 દરખાસ્ત મંજૂર
જનરલ બોર્ડમા 12 દરખાસ્ત રજુ કરવામા આવેલ જેમા શિતલ પાર્ક રોડ કપાતનાં વળતરની તેમજ વોર્ડ નં 9 મા રોડનુ નામકરણ તથા ડીએસયુપી આવાસો માટે લાભાર્થીઓ નકકી કરવા તથા મવડી ઇન્ડોર સ્ટેડીયમની વિવિધ રમતોનાં મેદાનો માટે સભ્ય પદ ફી નાં દરો નકકી કરવા અને નાયબ મ્યુનિપિલ કમિશનર તરીકે સીલેકશન કમિટી દ્વારા રજુ કરવામા આવેલ. એચ. આર. પટેલનાં નામે મંજુરી આપવા સહીતની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામા આવી હતી.
લોકોની સમસ્યામાં રસ નથી : 9 કોર્પોરેટરો ગેરહાજર
મનપાનુ બોર્ડ દર બે માસે બોલાવવામા આવે છે . લોકોનાં પ્રશ્ર્નોની ચર્ચા થઇ શકે અને દરેક વોર્ડનાં કોર્પોરેટરો પણ પોતાનાં પ્રશ્ર્નો રજુ કરી શકે તેવો ઉદેશ હોય છે છતા આજનાં બોર્ડમા ભાજપનાં 9 કોર્પોરેટરો ગેરહાજર રહયા હતા જેમા ભારતીબેન પરસાણા, વિનુભાઇ ધવા , પરેશભાઇ પીપળીયા, નેહલ શુકલ, દર્શિતાબેન શાહ, ભારતીબેન પાડલીયા, અસ્મીતાબેન દેલવાડીયા, નિલેશભાઇ જલુ અને અનીતાબેન ગોસ્વામી પૈકી અમુકે રજા રીર્પોટ અને અમુક કહયા વગર ઘેર હાજર રહયા હતા.