વિધાનસભામાં વિપક્ષોના પ્રશ્ર્નોને દબાવી દેવાય છે, જવાબ પણ ખોટા: ગોપાલ ઇટાલિયાનો આરોપ
ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રની ગઇકાલે શરૂૂઆત કરવામાં આવી. વિસાવદરના ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા પહેલી વખત વિધાનસભામાં પહોંચ્યા હતા. વિધાનસભામાં એન્ટ્રીની શરૂૂઆત સાથે જ તેમણે વિરોધ નોંધાવવાનું શરુ કર્યું હતું. આ સાથે જ તેમણે રસ્તાના પ્રશ્નો મામલે પોસ્ટર્સ સાથે વિરોધ કર્યો હતો. વિધાનસભાનો પ્રશ્નોત્તરી કાળ પૂરો થયા બાદ તેમણે નિવેદન આપ્યું હતું. અને સરકાર પર પ્રહારો કર્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, વિધાનસભામાં ખોટી રીતે વિપક્ષના પ્રશ્નોને દબાવી દેવામાં આવે છે. બે ધારાસભ્યો સરખા સવાલ પૂછે તો પણ બંનેના પ્રશ્નો ફ્લોર પર આવી શકે છે, પરંતુ વિધાનસભામાં મારો પ્રશ્ન એડમિટ જ કરવામાં આવ્યો નહીં. સરકારે વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી. પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે.
મેં જે સવાલ કર્યો છે તેવો જ સવાલ બીજા એક સભ્યએ કર્યો છે માટે મારો સવાલ લેવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું. ભાજપના તો કોઈ પણ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતા નથી.
વધુમાં ઇટાલિયાએ કહ્યું કે, ભાજપની પાર્ટી ઓફિસથી પ્રશ્નો આવતા હશે અને ભાજપના ધારાસભ્યો સાઇન કરતા હશે. ભાજપના બે ધારાસભ્યોના એક સરખા પ્રશ્નો ફ્લોર પર આવે છે પરંતુ મારો સવાલ ફ્લોર પર આવ્યો નહીં તો આ ખેલને જનતા જાણે તે જરૂૂરી છે. મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ આપ્યો. માયનિંગની લીઝ બાબતે મેં જે સવાલ કર્યો તેનો સરકારે ખોટો જવાબ આપ્યો. સત્તા પક્ષ દ્વારા ખોટા અને બિનજરૂૂરી એકના એક પ્રશ્નો 10 વખત નાખવામાં આવે છે. મારા કાર્યકાળના પહેલા દિવસે જ જનતાનો મુદ્દો લઈને આવ્યો. જુનાગઢ, ભેસાણ અને વિસાવદરના મતદારોના આશીર્વાદથી ગૃહમાં પહોંચ્યો છું.