ગાંધીનગરમાં વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધાયેલી દરગાહ સહિત 1400 દબાણો હટાવવા ઓપરેશન
150થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત, સેક્ટર-24માં પણ દબાણ હટાવ કાર્યવાહી: વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા દબાણકારોની માગણી
પાટનગર ગાંધીનગરને દબાણ મુક્ત કરવા માટે પાટનગર યોજના વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના પેથાપુર ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો પર વહીવટીતંત્રએ સખત કાર્યવાહી કરી છે. પ્રશાસને સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વકફ બોર્ડમાં નોંધાયેલી મોટી અને નાની દરગાહોના ગેરકાયદેસર કબજાને હટાવી દીધા છે.
આ કાર્યવાહી અંતર્ગત શહેરના સેક્ટર 1 થી 30 માં આવેલા 1400 થી વધુ ગેરકાયદેસર ઘર-ઝૂંપડાંના દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ 1400થી વધુ દબાણકર્તાઓને તંત્ર દ્વારા અગાઉ નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે, નોટિસોનો કોઈ સંતોષકારક જવાબ ન મળતા અથવા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર ન કરાતા તંત્રએ આખરે આ દબાણો તોડી પાડવાનો તખ્તો ઘડી કાઢ્યો છે.
આ મેગા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 150 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ આ વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા રહેવાસીઓમાં તંત્રની આ કાર્યવાહીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે તેમને હટાવતા પહેલા તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવી જોઈએ. જોકે, આ સમગ્ર દબાણ હટાવ ઝુંબેશ અંગે તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ ઉપરાંત, તંત્ર દ્વારા અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણો હટાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
જેમાં ઘ-7 સર્કલ પાસે, પ્રેસ સર્કલ નજીકના વિસ્તાર અને સેક્ટર-24 ખાતે આવેલા 300થી વધુ ગેરકાયદેસર દબાણોનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ તંત્ર દ્વારા ચરેડી ફાટકથી ૠઊઇ તરફના માર્ગ પર અને પેથાપુર આસપાસના 900થી વધુ ઝૂંપડાંના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.