'ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું, આતો ફક્ત ટ્રેલર હતું..' ભૂજ એરબેઝ પરથી બોલ્યા રક્ષામંત્રી
ઓપરેશન સિંદૂર બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા હતા. રાજનાથ સિંહે એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ-જવાનો સાથે ચર્ચા કર્યા બાદ જવાનોનો જુસ્સો વધારવા સંબોધન કર્યું હતું. રાજનાથસિંહ હવે સ્મૃતિવનની મુલાકાત લેશે.
રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. તેમણે કહ્યું હતું કે આતો ટ્રેલર હતું, સમય આવ્યે દુનિયાને ફિલ્મ દેખાડીશું'. સંરક્ષણ પ્રધાને ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી છે.
https://x.com/ANI/status/1923277798870765834
સૈનિકોનો જુસ્સો વધારતાં રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, હું તમને અભિનંદન આપવા આવ્યો છું. હું ગઈકાલે જ શ્રીનગરમાં બહાદુર સૈન્ય સૈનિકોને મળીને પાછો ફર્યો છું. હું આજે તમને મળી રહ્યો છું. તમે ઓપરેશન સિંદૂરમાં ચમત્કારિક કામ કર્યું છે. તમે ભારતને ગર્વ અનુભવ કરાવ્યો છે. હું આપણા સૈનિકોને સલામ કરું છું. મને તમારા બધાની વચ્ચે રહીને ગર્વ થાય છે. ભુજ 1965 અને 1971ના યુદ્ધોમાં આપણી જીતનું સાક્ષી રહ્યું છે અને આજે પણ તે ઓપરેશન સિંદૂરની સફળતાનું સાક્ષી છે. ભારતે ધોળે દિવસે પાકિસ્તાનને તારા દેખાડ્યા છે. હું તમામ જવાનોને અભિનંદન આપુ છું. ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોએ પરાક્રમ જ નથી દેખાડ્યું પણ દુનિયાને પ્રમાણ પણ આપ્યું છે કે, હવે જૂનું નહીં નવું ભારત છે.
તમારી ઊર્જા જોઈને મને ઉત્સાહ થાય છે. ઓપરેશન સિંદૂર નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું છે. આ કામગીરીમાં તમે જે કર્યું છે તેના પર બધા ભારતીયોને ગર્વ છે. પાકિસ્તાનની ધરતી પર ઉગતા આતંકવાદના અજગરને કચડી નાખવા માટે ભારતીય સેના માટે 23 મિનિટ પૂરતી હતી. લોકોને નાસ્તો અને પાણી આપવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમયમાં તમે તમારા દુશ્મનો સાથે વ્યવહાર કર્યો છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભૂજમાં કહ્યું હતું કે, આપણી વાયુસેનાની પાકિસ્તાનના દરેક ખૂણા સુધી પહોંચ છે તે કોઈ નાની વાત નથી, આ સંપૂર્ણપણે સાબિત થઈ ગયું છે. આજે પરિસ્થિતિ એવી છે કે ભારતના લડાકુ વિમાનો સરહદ પાર કર્યા વિના અહીંથી તેમના દેશના દરેક ખૂણા પર હુમલો કરવા સક્ષમ છે. આખી દુનિયાએ જોયું છે કે તમે કેવી રીતે પાકિસ્તાનની ધરતી પર નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, અને પછીથી કરવામાં આવેલી કાર્યવાહીમાં તેમના ઘણા એરબેઝનો નાશ કર્યો.