ઓપરેશન ‘ગંગાજળ’: અધિકારી સામે તપાસમાં લાલિયાવાડી સામે સરકાર જાગી
ગુજરાત સરકારના દરેક વિભાગ, નિગમ, પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટના વર્ગ-1થી વર્ગ-4ના કર્મચારીઓ સામે પ્રાથમિક અને ખાતાકીય તપાસ માટે 14 નિવૃત્ત અધિકારીઓની પેનલ બનાવાઇ
ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક ભ્રષ્ટ અધિકારીઓને વહેલા વયનિયુકત કરીને સરકારી વિભાગોમાં ગંગાજળ છાંટી શુધ્ધ કરવાનું કાર્ય ચાલુ કર્યુ છે. ત્યારે સરકારના દરેક વિભાગ, નિગમ, પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ અંતર્ગત ફરજ બજાવતા વર્ગ-1 થી 4 ના વિવિધ અધિકારીઓની સામે ખાતાકીય અને પ્રાથમિક તપાસ માટે સરકારે ઠરાવ બહાર પાડી કુલ 14 નિવૃત અધિકારીઓની પેનલ બનાવી છે. આમ તો આ પેનલ વર્ષ 2019 થી બનાવેલી હતી પરંતુ 30 નવેમ્બરે આ પેનલમાંથી 4 નિવૃત અધિકારીઓને હટાવીને તેમની જગ્યાએ બીજા પાંચ નિવૃત અધિકારીઓને નિયુકત કર્યા છે.
આ ઉપરાંત પેનલમાં અધિકારીઓને તપાસ માટે ફાળવવામાં આવતા વિભાગની પણ ફેરબદલી કરવામાં આવી છે. રાજયના અલગ અલગ વિભાગો માટે અલગ અલગ તપાસ અધિકારીની નિમણુંક કરાઇ છે. આ પેનલ પર સમાવિષ્ટ કુલ 14 અધિકારીઓ વચ્ચે સરકારના 26 વિભાગોની વહેંચણી કરવામાં આવી છે.
સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તા. 30-11 ના રોજ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ અગાઉ 2019 થી પ્રાથમિક તપાસ અને ખાતાકીય તપાસની કામગીરી માટે નિવૃત અધિકારીઓની પેનલમાંથી (1) મહેન્દ્ર પી. દવે, (2) એમ. એન. મકવાણા, (3) આર. પી. જોષી, (4) એચ. આર. શાહને જવાબદારીમાંથી મુકત કરાયા છે. આ ચારેય અધિકારીઓની જગ્યાએ પેનલમાં (1) પી. વી. પટેલ (નિવૃત ના. સચિવ), (ર) નિલેશ વી. ત્રિવેદી (નિવૃત ના. સચિવ), (3) એમ. બી. સોની (નિવૃત ના. સચિવ), (4) એસ. વી. પટેલ (નિવૃત અ. ઇજનેર) અને (પ) આર. સી. ચૌહાણ (નિવૃત અ. ઇજનેર) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચેય અધિકારીઓને તપાસ પેનલની કામગીરી તાત્કાલીક સંભાળી લેવાનો પણ ઠરાવ કરાયો છે.
જે અધિકારીઓને અગાઉ તપાસ પેનલમાં સોપેલ કામગીરી સામે આ ઠરાવથી સોપેલ કામગીરીમાં ફેરફાર થયેલ હોય તેવા અધિકારીઓને જે તે સમયે સબંધિત વિભાગોએ તેને સોપેલ કેસ અન્વયે કામગીરી શરૂ કરી દીધેલ હોય તો 3 માસમાં પુર્ણ કરવાની રહેશે અને કામગીરી શરૂ કરેલ ન હોય તો કેસ સબંધિત વિભાગને પરત સોંપવાનો રહેશે. આ ઉપરાંત તપાસને લગતા કેસોની ફાળવણી રોટેસનથી સોપવાનો પણ ઠરાવ કરાયો છે. આ ઠરાવ પ્રમાણે નાયબ સચિવ, અધિક કલેકટર કે તેમની સમાન અથવા ઉ5રની કક્ષાની અધિકારીની સામે પ્રાથમિક તપાસના કેસો હોય તો તે ખાતાકીય તપાસના ખાસ અધિકારી ગાંધીનગરને સોંપવાના રહેશે.
ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગમાં કામ કરતા અમુક કર્મચારીઓને કારણે સરકાર પર માછલા ધોવાયા છે. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ સામેની પ્રાથમિક અને ખાતાકીય તપાસ માટે ખાસ પાંચ અધિકારીઓનો પેનલમાં સમાવેશ કરાયો છે.
વર્ગ-3 અને 4ના કર્મચારી સાથે કલાસ-1 અને 2ના અધિકારીની પણ સંડોવણી હોય તો ખાતાકીય તપાસ ગાંધીનગર સોંપવાની રહેશે
પેનલ પરના આ અધિકારીઓને વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ સામેના ખાતાકીય તપાસના કેસો સોંપવાના રહેશે, પરંતુ જે કેસમાં વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ સાથે વર્ગ-1 કે વર્ગ-2 ના રાજયપત્રિત અધિકારીઓ પણ સંકળાયેલ હોય તેવા કેસને સંયુકત તપાસનો કેસ ગણી, આવા કેસ ખાતાકીય તપાસના ખાસ અધિકારીની કચેરી, ગાંધીનગરને સોંપવાના રહેશે.
પ્રાથમિક-ખાતાકીય તપાસ માટે 14 નિવૃત્ત અધિકારીઓ
સી.એસ. ઉપાધ્યાય શિક્ષણ- નાણાં, માર્ગ અને મકાન, આદિજાતિ વિકાસ, કૃષિ
ભાસ્કર દવે -સામાન્ય વહિવટ, નાણાં, શ્રમ અને રોજગાર, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, મહેસુલ, માર્ગ અને મકાન
ઇન્દ્રજિતસિંહ સોલંકી- સામાન્ય વહિવટ, કૃષિ, આરોગ્ય, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
અંશુમન બુચ -શિક્ષણ, નાણાં, વન પર્યાવરણ, આરોગ્ય, ઉદ્યોગ-ખાણ, બંદર અને વાહન વ્યવહાર
સી. એમ. ગોહિલ -શિક્ષણ, ગૃહ, બંદર અને વાહન વ્યવહાર, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી, આદિજાતિ વિકાસ
રિધ્ધેશ પાઠક -કૃષિ, વન પર્યાવરણ, અન્ન નાગરિક પુરવઠા, આરોગ્ય, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, રમત-ગમત
કિર્તિદા બ્રહ્મભટ્ટ -વન પર્યાવરણ, નર્મદા, મહેસુલ, સામાજીક ન્યાય, મહિલા બાળ વિકાસ, ગૃહ
કશ્યપ પરીખ -આરોગ્ય, વૈધાનિક સંસદીય બાબતો, નર્મદા, બંદર અને વાહન વ્યવહાર, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
મનોજ મકવાણા -ગૃહ, શ્રમ અને રોજગાર, સામાજીક ન્યાય, રમત-ગમત, મહેસુલ, ઉદ્યોગ અને ખાણ
એમ. બી. સોની- કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય, માહિતી પ્રસારણ, મહેસુલ, સામાજીક ન્યાય
નિલેશ ત્રિવેદી- શિક્ષણ, વન પર્યાવરણ, કલાયમેન્ટ ચેન્જ, કાયદા, આદિજાતિ વિકાસ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
પી. વી. પટેલ -નાણાં, અન્ન નાગરિક પુરવઠા, ગૃહ, ઉદ્યોગ-ખાણ, શ્રમ અને રોજગાર, કાયદા
આર. સી. -ચૌહાણ માર્ગ અને મકાન, નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર
એસ. વી. - પટેલ માર્ગ અને મકાન, નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર