કાન ખોલી લેજો, ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં!
વડોદરાના માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી મેદાનમાં આવ્યા છે. વિવાદોથી ઘેરાયેલા રહેતા અને ભાજપથી છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરીથી રાજકારણમાં એક્ટિવ થયા છે. તેમણે ફરીથી સરકારી અધિકારીઓ ઉપર આકરા પ્રહાર કર્યા છે.
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યએ પોતાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મામલતદાર હોય કે અધિકારી કાન ખોલી લેજો ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહિ. ભગવાન સિવાય હું કોઈથી નથી ડરતો. તાલુકા અને નગરપાલિકામાં ચૂંટણી લડી અધૂરા કામો પૂરા કરીશ.
વાઘોડિયા અને તાલુકા બંને વિધાનસભામાં બે નંબરીઓ કાવતરા કરી રહ્યા છે. તમામને ઠેકાણે પાડી દઈશ કોઈના માટે શિંગડા નથી ઉગ્યા.
ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા. તેના બાદ તેઓએ ભાજપ સામે જ બળવો કર્યો હતો, અને અપક્ષ ચૂંટણી લડી હતી. મધુ શ્રીવાસ્તવની છાપ દબંગ નેતા તરીકેની છે. તેઓ સતત વિવાદિત નિવેદનો કરવા માટે પ્રખ્યાત છે.