નાગેશ્ર્વર મંદિરના સંચાલકો દ્વારા શ્રધ્ધાળુઓ પાસે પૂજા-ધાર્મિક ક્રિયાઓ માટે ઉઘાડી લૂંટ
દ્વારકા યાત્રાધામથી 16 કિમી દૂર આવેલ નાગેશ્વર જયોતિર્લિંગના સંચાલકો દ્વારા કથિત રીતે શ્રધ્ધાળુઓ પાસેથી પૂજા - અભિષેક ઈત્યાદિ ધાર્મિક ક્રિયાઓ માટે ખૂબ જ ઊંચો ચાર્જ લેવામાં આવતા હોવા અંગે ચાર ગામના સરપંચો દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. દ્વારકા તાલુકાના રાંગાસર, ધ્રાસણવેલ, કલ્યાણપુર અને ગોરીયારી ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા આજરોજ સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે નાગેશ્વર મંદિરના સંચાલકો દ્વારા અભિષેક, પૂજા ઈત્યાદિ માટે શ્રધ્ધાળુઓ પાસેથી ખૂબ ઊંચો ચાર્જ વસૂલી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત મંદિરના સભાખંડમાં જ દુકાનો ચલાવવામાં આવી રહી છે જે પણ યાત્રાળુઓને અડચણરૂૂપ હોવાની રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત યાત્રાળુઓ પાસેથી પૂજન સામગ્રીમાં પણ ઉઘાડી લૂંટ ચલાવી ગેરરીતિ ચલાવવામાં આવતી હોવાની પણ રજૂઆત ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં કરી આસ્થાના સ્થાનમાં કથિત રીતે ચાલતી ગેરરીતિ દૂર કરવા માંગ કરવામાં આવી છે.