ઓબ્ઝર્વર પાસે માત્ર છ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ રજૂ કર્યો
ભાજપ અને કોંગ્રેસ સહિત ત્રણ ઉમેદવારોએ હિસાબ રજૂ કરવા સમય માગ્યો
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને નવી સરકારે સપથ પણ ગ્રહણ કરી લીધા છે ત્યારે હજુ ચૂંટણીના લેખાજોખા બાકી હોય બે દિવસ પહેલા રાજકોટ લોકસભાની બેઠકના 9 ઉમેદવારોને ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર પાસે ચૂંટણીપ્રચારમાં કરેલા ખર્ચના હિસાબો બીલ સાથે રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં ગઈકાલે માત્ર 6 અપક્ષ ઉમેદાવારો જ બેઠકમાં હાજર રહી ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો. જ્યારે ભાજપ અને કોંગ્રેસ તેમજ એક અપક્ષ ઉમેદવારે ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવા સમય માગ્યો હતો.
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ પણ જાહેર થઈ ગયું છે. ત્યારે રાજકોટ લોકસભાની બેઠકના ચૂંટણી ખર્ચના ઓબ્ઝર્વર માધવ મિશ્રાએ બે દિવસ પહેલા રાજકોટની મુલાકાત લીધી હતી અને કલેક્ટર, ડીડીઓ તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી સાથે બેઠક કરી હતી. જેમાં અત્યાર સુધી બે તબક્કામાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો. જ્યારે ફાઈનલ હિસાબ રજૂ કરવાનો બાકી હોય રાજકોટ લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવાર સહિત 9 ઉમેદવારોને તા. 2-7-24ના સાંજે ચાર વાગ્યે કલેક્ટર કચેરીખાતે ચૂંટણી ખર્ચના હિસાબો અને બીલો સાથે હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો.
કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ગઈકાલે ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર માધવ મિશ્રાની હાજરીમાં મળેલી બેઠકમાં રાજકોટ લોકસભા બેઠકના છ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ રજૂ કર્યા છે. જ્યારે ભાજપ કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવારે ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવા માટે સમય માગ્યો હતો. રાજકોટ લોકસભા બેઠકના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ચમનભાઈ સવસાણીએ 1,59,706, અપક્ષ ઉમેદવાર નિરલભાઈ અજાગિયાએ 3,06,482, જિજ્ઞેશભાઈ મહાજને 27,800, નયનભાઈ ઝાલાએ 52,200, પ્રકાશભાઈ સિંધવે 1,25,275 અને ભાવેશ પીપળિયાએ 1,72,824 રૂપિયાનો ચૂંટણી પ્રચારમાં ખર્ચ કર્યાનો ફાઈનલ હિસાબ રજૂ કર્યો હતો.