ચેમ્બરની નોંધણી માટે માત્ર જરૂરી ફેરફાર જ કર્યો, બદલાયું નથી
મહાજનોની 70 વર્ષે જુની સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનું બંધારણ બદલાવલામાં આવી રહ્યું છે. તેવી ચર્ચાએ જોર પકડયું છે અને આ ચર્ચાના કારણે સંસ્થા સાથે જોડાયેલા વેપારીઓ દ્વારા તેનો વિરોધ થયો છે. આ વિવાદે હવે રાજકીય રંગ પકડયો છે. વિવાદમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે ત્યારે ચેમ્બર દ્વારા બંધારણમાં ફેરફાર માટે સમિતિ બનાવવામાં આવી છે અને આ સમિતિએ બંધારણમાં માત્ર સંસ્થાના ફાયદાકારક જ ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.
આ અંગે ચેમ્બરના બંધારણ સમિતિના સભ્યોએ કહ્યુ હતું કે ચેમ્બર એક નોંધણી વગરની સંસ્થા છે જે 70 વર્ષથી ચાલી રહી છે હાલ તેને પોતાના બિલ્ડીંગની જરૂરીયાત ઉભી થઈ છે અને તેના માટે નોંધણી કરવી ફરજિયાત હોય તેના માટે ફેરફાર કરવા માટે બંધારણમાં જરૂરી ફેરફાર આવશ્યક હતાં જેના માટે ચેમ્બર દ્વારા એક સમિતિ બનાવવામાં આવી છે. જેમાં ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયા, એડવોકેટ આર.એમ.વારોતરીયા, અરચુતભાઈ જસાણી, રામભાઈ બરછા અને પરસોત્તમભાઈ પિપરીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બંધારણ બદલાવવા અંગે સમિતિના કેટલાક સભ્યોએ કહ્યું હતું કે હાલનું જે બિલ્ડીંગ છે તે હવે નાનુ પડી રહ્યું છે અને ચેમ્બર પોતાની એકટીવિટી કરી શક્તિ નથી. સભાસદોની સંખ્યા પણ વધી રહી છે. જેથી ચેમ્બર દ્વારા 5000 ચોરસ મીટરની જગ્યા ફાળવવા સરકાર પાસે દરખાસ્ત કરવામાં આવી હતી અને તેના માટે નોંધણી કરવી ફરજિયાત છે જેથી ચેમ્બર દ્વારા બંધારણમાં જરૂરીયાત મુજબના ફેરફાર કરવામાં આવ્યાં છે જેથી ચેમ્બરની નોંધણીમાં કોઈ સમસ્યા થાય નહીં અને ચેમ્બરની આગામી સેવાકીય પ્રવૃતિને પણ રોક લાગે નહીં. તેમજ વેપારીઓના પ્રશ્ર્નોને પણ ઝડપથી વાંચા મળી રહે.
વધુમાં જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા 1860 નીચે રજીસ્ટર કરવા માટે રજુઆત કરાઈ હતી જે નીચે રાજકોટમાં માત્ર ક્રિકેટ એસોસીએશન અને જીમ ખાના કલબ રજીસ્ટ્રેડ છે. હાલ આ કાયદા હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માટે રાજકોટ ચેરીટી કમિશનરમાં રજુઆત કરાઈ છે અને આગામી દિવસોમાં ચેરીટી એકટ હેઠળની કલમ અંતર્ગત ચેમ્બરની નોંધણી કરવામાં આવશે જેથી ચેમ્બરના અલગ બિલ્ડીંગ માટેની જમીન મેળવવા અને જરૂરી દાનની રકમ માટે કોઈ જાતની સમસ્યા નડે નહીં. ચેમ્બરના રજીસ્ટ્રેશન થવાથી વેપારીઓને પણ તેનો લાભ મળશે.
ચેમ્બરના બંધારણમાં બદલાવને લઈને થયેલા વિરોધ બાદ ચેમ્બર દ્વારા પણ બંધારણને તૈયાર કરી અને ચેમ્બરની ઓફિસના ઓડીટોરીયમમાં ખુલ્લામાં મુકવામાં આવ્યું છે અને તે કોઈપણ સભાસદ જોઈ શકે છે. તેમજ રૂા.100 ફરી અને કોપી પણ મેળવી શકે છે તેવું પ્રમુખ દ્વારા જાહેર પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વેપારીઓ દ્વારા થયેલા વિરોધને સત્તાધીશો દ્વારા પાયાવિહોણો ગણાવ્યો હતો અને બંધારણને જ સર્વોપરી હોવાનું જણાવ્યું હતું.
બંધારણમાં થયેલ ફેરફાર કોઈના અંગત સ્વાર્થ માટે નથી કરાયા
ચેમ્બરને પોતાનું અંગત બિલ્ડીંગ જોઈતું હોય તેના માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે અને તે રજીસ્ટ્રેશન કરાવવા માટે 65 પાનાનું બંધારણ લખવામાં આવ્યું છે અને આ બંધારણ હેઠળ ચેમ્બરને સોસાયટી રજીસ્ટ્રેશન એકટ 1860 હેઠળ નોંધણી મળશે, બંધારણ સંસ્થાના અને વેપારીઓના હિત માટે છે. આ બંધારણ કોઈના અંગત સ્વાર્થ કે ફાયદા માટે નહી સંસ્થાના ફાયદા માટે છે.
રામભાઈ બરછા
બંધારણ સમિતિ સભ્ય, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ
બંધારણ સંપૂર્ણપણે વેપારીઓ અને ઉદ્યોગકારોના હિતમાં છે
ચેમ્બરનું અગાઉ રજીસ્ટ્રેશન કરાવવા પૂર્વ પ્રમુખ સમીર શાહ અને શિવલાલ બારસીયાના સમય ગાળામાં પ્રયાસ કરવામાં આવ્યા હતાં પરંતુ કેટલીક કાયદાકીય ગુંચવણના હિસાબે તે શકય બન્યું હતું નહી. જ્યારે હાલ બિલ્ડીંગ અને દાન સહિતની કામગીરી માટે ફરી નોંધણીની જરૂર છે અને ચેરીટી કચેરીમાંથી પણ વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે જેથી બંધારણ જરૂરીયાત મુજબ ફેરફાર કરી અને યોગ્ય રીતે બનાવવામાં આવ્યું છે જે વેપારી-ઉદ્યોગકારોના હિતમાં છે.
-શિવલાલભાઈ બારસીયા
બંધારણ સમિતિ સભ્ય, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ