લોકમેળામાં માત્ર 13 જ ફોર્મ ભરાયા, હવે નવા કલેક્ટરના નિર્ણયની રાહ
રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળાની તૈયારીઓ વહેલી શરૂૂ કરવામાં આવી હતી, અને સ્ટોલ ફાળવણી માટે ફોર્મ વિતરણની મુદતમાં બે વખત વધારો પણ કરવામાં આવ્યો હતો. જોકે, આ પ્રયાસો છતાં નિરાશાજનક પ્રતિસાદ મળ્યો છે.ગઈકાલે ફોર્મ ભરવાની અને પરત જમા કરાવવાની મુદત પૂર્ણ થઈ ચૂકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 100 જેટલા ફોર્મ ઉપડ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર 13 જેટલા સ્ટોલધારકોએ જ ફોર્મ ભરીને પરત જમા કરાવ્યા છે. આ અત્યંત ઓછી સંખ્યાને કારણે મેળાના ભવિષ્ય અંગે અટકળો તેજ બની છે.આ સ્થિતિમાં, સિટી પ્રાંત અધિકારી દ્વારા મેળાના સમગ્ર આયોજનો હવે નવા કલેક્ટરના હવાલે કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્રના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા કલેક્ટર હાજર થયા બાદ જ હવે મેળા અંગેની આગળની પ્રક્રિયા અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી, ચોક્કસ મુદત સુધી ફોર્મ વિતરણ ચાલુ રહેશે, પરંતુ નવા કલેક્ટર હાજર થશે અને તેમની સાથે બેઠક કર્યા બાદ જ આગળ શું કરવું તે અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.