ખેલ મહાકુંભમાં જોડાવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.29 ઓગસ્ટથી શરૂ થશે
રાજ્ય સરકારની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમશે ગુજરાત, જીતશે ગુજરાતથના સૂત્ર સાથે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શાળા કક્ષા / ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા / ઝોન કક્ષા, જિલ્લા કક્ષા /મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજાશે. ઉલ્લેખનીય છે કે ખેલ મહાકુંભ-2025 અંતર્ગત શાળા કક્ષાએ એથ્લેટીક્સની સ્પર્ધામાં અન્ડર-9, અન્ડર-11, અન્ડર-14 અને અન્ડર-17ના વયજુથમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.
ખેલ મહાકુંભમાં જોડાવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા. 29 ઓગસ્ટ, 2025થી શરૂૂ કરવામાં આવનારુ છે. તા. 22 સપ્ટેમ્બર, 2025ના સાંજે 06 કલાક સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. તેમજ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ ફરજિયાત વેબસાઈટ https://khelmahakumbh. gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
વધુમાં, પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકશે નહીં. એક જ કે.એમ.કે. આઇ.ડી.થી ખેલાડીએ બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ ખેલાડીનું બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે. એક જ કે.એમ.કે. આઇ.ડી.થી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કાર મળવાપાત્ર રહેશે. તેમજ જે ખેલાડી પાસે જુના કે.એમ.કે. આઇ.ડી. હોય, તેમણે જુના કે.એમ.કે. આઇ.ડી.થી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ ઉપરાંત, અન્ડર-9, અન્ડર-11, અન્ડર-14 અને અન્ડર-17 ગૃપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. તેમજ અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજુથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.
