શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ
ઉમેદવારો 26મી સુધી રજિસ્ટ્રેશન કરી શકશે: 21થી 26 હજાર મહેનતાણું મળશે
ગુજરાત મિરર, ગાંધીનગર,તા.19
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે મંગળવારથી ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. ઉમેદવારો 26 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારો તરફથી અરજી મળ્યા બાદ પસંદગી યાદી જાહેર કરી નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષક યોજના રદ કર્યા બાદ શાળાઓમાં કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું. આ માટે ગત વર્ષે જ્ઞાન સહાયકોની પસંદગી કરવામાં આવ્યા બાદ ચાલુ વર્ષે ઘણા જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવામાં આવ્યા હતા. જોકે, આમ છતાં રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી મામલે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે હવે આ જગ્યા પર જ્ઞાન સહાયકોની નિમણૂકને લઈને કાર્યવાહી હાથ ધરવાનું આયોજન કરાયું છે.
શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક- માધ્યમિક અને જ્ઞાન સહાયક- ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી મંગળવારથી ઓનલાઇન અરજીઓ મગાવવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે.
આ જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. પ્રાથમિકમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટે 45 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે. પ્રાથમિકમાં માસિક રૂૂ. 21 હજારનું મહેનતાણું મળશે. જ્યારે માધ્યમિકમાં રૂૂ. 24 હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂૂ. 26 હજાર મહેનતાણું નક્કી કરાયું છે. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જ્યારે પણ રૂૂબરૂૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલી અરજીની પ્રિન્ટ સાથે જરૂૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.