વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપનારને ચેક પરતના કેસમાં એક વર્ષની સજા
રોકડ લઇ ચેક આપેલ જે બેન્કમાંથી પરત ફરેલ
જામનગરના એક આસામી ને વિદેશ માં જવા માટે વીઝા અને નોકરીની લાલચ આપી એક શખ્સે રૂૂ. 1 લાખ 10 હજાર પડાવી લીધા હતા, અને તે પછી ઉપરોક્ત રકમ પરત આપવા ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાના કેસમાં અદાલતે તેને એક વર્ષ ની કેદ ની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે.
જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં વેદમાતા સ્કૂલ 5ાસે રહેતા જીતેન્દ્ર નંદલાલ બુજડ ને વિદેશમાં નોકરી અપાવી અને વીઝા પણ કરાવી દેતા હોવાની જાણકારી મળતા અંબાજીના ચોકમાં રહેતા હીરેન શામજીભાઈ રાવતે જીતેન્દ્ર બુજડ ની ગુલાબનગર પાસે ક્રિષ્ના પાર્ક માં આવેલી ઓફિસે સંપર્ક કર્યો હતો.
આ આસામીને કેનેડામાં નોકરી તથા વીઝા માટે રૂૂ. 1 લાખ 10 હજાર આપવાનું કહી જીતેન્દ્ર બુજડે પૈસા લઈ લીધા હતા અને તે પછી સંખ્યાબંધ ધક્કા પછી પણ વિદેશ જવાનું શક્ય ન બનતા હીરેન રાવતે પોલીસ માં અરજી કરી હતી.
તે પછી પોલીસ સ્ટેશનમાં સમાધાન કરી જીતેન્દ્રએ નોટરી સમક્ષનું લખાણ કરી હીરેનને તેની રકમ પરત આપવા ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત આવતા હીરેને કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી જીતેન્દ્ર નંદલાલ બુજડ ને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.