શિવરાત્રી મેળા માટે વન-વે અને નો-પાર્કિંગ ઝોન જાહેર
ભવનાથ તળેટીમાં તા.22થી 26 ફેબ્રુ. દરમિયાન યોજાનાર મેળા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ
જૂનાગઢ તા.17 ભવનાથ તળેટીમાં તા.22 ફેબ્રુઆરીથી તા.26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન સુચારૂૂ રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે જરૂૂરિયાત મુજબના રસ્તાઓને એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વન-વે જાહેર કરવામાં આવ્યા છે.જે મુજબ ભરડાવાવથી સોનાપુરી ત્રણ રસ્તા ફક્ત જૂનાગઢ શહેર તરફથી ભવનાથ તળેટી પ્રવેશ માટે, સોનાપુરી ત્રણ રસ્તાથી ગિરનાર દરવાજા તરફ ફક્ત જૂનાગઢ શહેર તરફ જવા માટે, પાસ ધરાવતા અથવા પૂર્વ મંજૂરી મેળવેલ વાહનો ગિરનાર તળેટીમાં જવા માટે ભરડાવાવ થઈ સ્મશાન પાસેથી તળેટીમાં પ્રવેશી શકશે. તેમજ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે મેદાનમાં વાહનો પાર્ક કરવાના રહેશે, ગિરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા થઈ જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે, મહાશિવરાત્રી મેળા દરમિયાન યાત્રાળુઓ તથા સરકારી વાહનો વડલી ચોક સુધી આવ્યા પછી વડલી ચોકથી ડાબી બાજુના રોડ પર ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુ ની જગ્યા તરફ જઈ શકશે અને મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકશે નહીં, મહાશિવરાત્રીના દિવસે શહેર તરફથી આવતા તેમજ તળેટીથી શહેર તરફ જતા તમામ વાહનોને કલાક 10 -00 થી અવરજવર માટે પ્રતિબંધ રહેશે,છગનમામાની સોસાયટીમાં થઈને ભવનાથ તરફ જતા વાહનો લઈ જવા માટે પ્રતિબંધ રહેશે, ગિરનાર દરવાજાથી સોનાપુરી તરફ જવાનો રસ્તો સોનાપુરી સુધી (ફક્ત જવા માટે બંધ) અને સોનાપુરીથી ભરડાવાવ તરફ જવાનો રસ્તો (ફક્ત જવા માટે બંધ) વન વે જાહેર કરવામાં આવ્યા છે. ટ્રાફિક જામના પ્રશ્નો ઉદભવે નહીં તે હેતુસર કાળવાથી દાતાર રોડ, કામદાર સોસાયટીથી ગિરનાર દરવાજા, ભરડાવાવથી ધારાગઢ દરવાજાથી મજેવડી દરવાજા સુધી રોડ ઉપર નો-પાર્કિંગ અને મોર્ડન ચોકથી જવાહર રોડ, સ્વામી મંદિર, સેજની ટાંકી, ગિરનાર રોડ, ગિરનાર દરવાજા સુધી નો-પાર્કિંગ જાહેર કરવામાં આવે છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ. ચૌધરીએ ઉક્ત રસ્તાઓને જાહેરનામું પ્રસિદ્ધ કરીને વન-વે જાહેર કર્યા છે.
ઊંટગાડી, ઘોડાગાડી, બળદગાડી માટે પ્રવેશબંધી
ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન ટ્રાફિક નિયમનના હેતુસર ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે ઉંટગાડી, ઘોડાગાડી, બળદગાડી જેવા વાહનો માટે તા.22-2-2025 થી તા.26-2-2025 સુધીના સમયગાળા દરમિયાન પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામુ બહાર પાડી આ પ્રતિબંધ મૂક્યો છે.
જાહેર અને નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળો જાહેર
ભવનાથ તળેટીમાં તા.22 ફેબ્રુઆરીથી તા.26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. ત્યારે મેળામાં પધારતા ભાવિકો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વાહન પાર્કિંગ સ્થળ નિયત કરવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ 2 જાહેર પાર્કિંગ સ્થળો નિયત કરવામાં આવ્યા છે. જેમાં નીચલા દાતાર પાસેની ખુલ્લી જગ્યામાં તમામ પ્રકારના વાહનો અને ભવનાથ ખાતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ટુ વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે. તમામ પ્રકારના વાહનો માટે નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળોમાં શશીકાંતભાઇ દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર), ડોલરભાઈ કોટેચાની વાડી (જુના દારૂૂખાનાની ખુલ્લી જગ્યા) મજેવડી રોડ, કાળુભાઈ સુખવાણીની વાડી તરીકે ઓળખાતી જમીન મજેવડી- ભવનાથ રોડ અને અશોકબાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તે વાહનો પાર્ક કરી શકાશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ. ચૌધરીએ મળેલ સત્તાની રૂૂએ આ વાહન પાર્કિંગ સ્થળ જાહેર કર્યા છે.
પાજનાકા પુલથી ખાખ સુધીનો રસ્તો વાહનો માટે નો-પાર્કિંગ ઝોન
ભવનાથ તળેટીમાં તા.22 ફેબ્રુઆરીથી તા.26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. મેળા દરમિયાન દામોદર કુંડ પાસે દર્શનાર્થીઓની ખૂબ ભીડ રહેતી હોય, જેથી અકસ્માત નિવારણ અને ટ્રાફિક નિયમનના હેતુસર પાજનાકા પુલથી ખાખચોક સુધીના રસ્તામાં વચ્ચે કોઈપણ જગ્યાએ વાહનો ઊભા ન રહે કે આ સ્થળોએથી પેસેન્જર રીક્ષા પેસેન્જર ચડાવ કે ઉતાર ન કરે તે માટે પાજનાકા પુલથી ખાખચોક સુધીનો રસ્તો વાહનો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને નો-પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવે છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ.ચૌધરીને મળેલ સત્તાની રૂૂએ પ્રસિદ્ધ કરેલ જાહેરનામા મુજબ તા.22-2-25 થી તા.27-2-25 સુધી પાજનાકા પુલથી ખાખ સુધીનો રસ્તો વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે. આ રસ્તામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના વાહનો ઉભા રાખી શકાશે નહીં કે પેસેન્જર રીક્ષા /વાહનો પેસેન્જર ચડાવ કે ઉતાર કરી શકશે નહીં.
પીવાનું પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ
ભવનાથ તળેટી વિસ્તારમાં તા.22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. જેમાં દેશભરમાંથી ભાવિકો અને સાધુ સંતો જોડાય છે. ત્યારે આ મેળા દરમિયાન જાહેર આરોગ્ય નુકસાન ન થાય તેવા હેતુસર પીવાના પાણી માટે માટે અલગ રાખેલ પાણીમાં ગંદકી ન થાય, જાહેર આરોગ્ય જળવાઈ રહે અને ચેપી રોગોનો ઉપદ્રવ થવા ન પામે તે માટે ભવનાથ વિસ્તારમાં લોકોને પીવા માટેનુ પાણી દૂષિત થાય તેવા કોઈપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જૂનાગઢને અને તેમના દ્વારા નિયુક્ત થયેલ કર્મચારીઓને આ કામગીરી માટે દેખરેખ રાખવા અને યોગ્ય પગલાં લેવા માટે અધિકૃત કરવામાં આવે છે. તે મુજબનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડ્યું છે.