‘વન સ્ટેટ, વન ફાયર સર્વિસ’ : રાજ્ય સરકારની તૈયારી
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં ઝડપથી થઈ રહેલા ઔદ્યોગિક અને આર્થિક વિકાસ, રહેણાક, વાણિજ્ય અને ઔદ્યોગિક હેતુઓ માટે બાંધકામની વધી રહેલી પ્રવૃત્તિને કારણે સ્ટેટ ફાયર એડવાઇઝરી કમિટી દ્વારા ફાયર સેફટી અંગે વારંવાર જે ભલામણો કરાય છે અને તેમાં ફાયર સેફ્ટી અંગે આવશ્યક પગલાં ભરવાની સલાહ અપાય છે. તે બાબતો ઉપરાંત વધતાં જતા શહેરીકરણ અને વસતિની ગીચતાને કારણે આગ લાગવાની વધી રહેલી ઘટનાઓ વખતે લેવાપાત્ર અસરકારક પગલાં તથા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન-2026ના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત શહેરી વિકાસ વિભાગના પ્રતિનિધિ તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ફાયર વિભાગને વધુ સુદઢ કરવા માટે હવે પવન સ્ટેટ, વન ફાયર સર્વિસથની વ્યવસ્થા કરવાનું નક્કી કરાયું છે.
જોકે, આ નવી વ્યવસ્થામાં નવું શું હશે અને તેનાથી રાજ્યને શું લાભ થશે તેનો કોઈ ફોડ પડાયો ન હતો. એવી જ રીતે, શહેરી વિકાસ વિભાગ તરફથી એમ પણ કહેવાયું હતું કે, રાજ્યની નગરપાલિકાઓમાં પણ ફાયર વ્યવસ્થાને સંગીન કરવા માટે સમગ્ર રાજ્યમાં ફાયરનું માળખું એક જ ફાયર-નિયામકના કાર્યક્ષેત્રમાં આવે તે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બેઠકમાં એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરાઈ હતી કે, જેમાં કહેવાયું હતું કે, ફાયર અંગે ના-વાંધા પ્રમાણપત્ર(ગઘઈ) લીધા બાદ તેમાં કેટલાક ફેરફારો કરાતા હોય છે. જેને અટકાવવા માટે પણ હવે સમયાંતરે નિરીક્ષણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકાઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિની આ બેઠકમાં બહુમાળી ઈમારતો-બિલ્ડિંગ્સમાં આગ લાગતી વખતે ઊભી થતી હાલાકીનો મુદ્દો પણ ચર્ચાયો હતો. જેમાં સૌથી વધુ ચિંતાજનક બાબત પાણીને માનવામાં આવી હતી. કેમ કે, બહુમાળી ઈમારતોમાં જ્યારે પણ આગ લાગે છે ત્યારે તે ઈમારતોમાં પાણી માટેની અન્ય કોઈ ખાસ અલગ વ્યવસ્થા હોતી નથી. તેના કારણે આગને કાબૂમાં લેવામાં ફાયર તંત્રને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ તબક્કે આ બેઠકમાં ઉપસ્થિત સરકારી પ્રતિનિધિએ એવી માહિતી આપી હતી કે, અમુક નિશ્ચિત ઊંચાઇથી વધુ ઊંચી બિલ્ડિંગ હોય ત્યારે તે ઈમારતોમાં તેના માલિકોએ પોતાની આગવી ફાયર-હાઈડ્રન્ટ સિસ્ટમ ઊભી કરવાની હોય છે. જોકે, આવી બહુમાળી ઈમારતોમાં સરકારે સૂચવેલી ફાયર-હાઈડ્રન્ટ સિસ્ટમ ઊભી ન કરાઈ હોય તો શું કરવું જોઈએ કે તેની સામે કયા આકરા પગલાં લેવાઈ રહ્યા છે કે, લેવાવા જોઈએ તે અંગે કોઈ સ્પષ્ટતા અંદાજ સમિતિના રિપોર્ટમાં કરાઈ નથી. દરમિયાનમાં આ બેઠકમાં ફાયર સ્ટેશનો બનાવવા અંગેના ધારાધોરણો વિશે પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં, આગ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે હેતુથી ફાયર સ્ટેશનો બનાવવા માટેના ધારાધોરણો અંગેના નિયમો અને તેના નિયમન માટે જરૂૂરી વ્યવસ્થા કરવા અંગે આ અંદાજ સમિતિએ સરકારને ખાસ ભલામણ કરી છે.
અલગથી પાણીની ટાંકીની વ્યવસ્થા કરવા સુચન
આ બેઠકમાં સરકારના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ગુજરાત અગ્નિ નિવારણ અને જીવનસુરક્ષા વિષયક જે અધિનિયમ અમલી છે અને તે અંતર્ગત નિયમો મુજબ 3જી અનુસૂચિ પ્રમાણે (1) ફાયર સર્ટિફિકેટ્સ લેવાની પ્રક્રિયા દરમિયાન જે તે ઈમારતોમાં ફાયર સિસ્ટમ લગાવવા બાબતે અલાયદી વ્યવસ્થા કરવાની હોય છે. એવી જ રીતે પાણીની વ્યવસ્થા બાબતે પણ જે તે ઇમારતધારકે જ પૂરતી કાળજી લેવાની હોય છે અને તે જે તે ઇમારતધારકોની જ જવાબદારી હોય છે. હવે આ બિલ્ડિંગ ધારકોએ ફાયરના નીતિ-નિયમોની જોગવાઈ મુજબ સુવિધા કરેલી ન હોય તો તેમને ગઘઈ આપવામાં આવતી નથી. જોકે, આ બેઠકમાં અંદાજ સમિતિએ આવી બહુમાળી મકાનો, ઈમારતો-બિલ્ડિંગોમાં ફાયર માટે ખાસ અલગ પાણીની ટાંકીની વ્યવસ્થા કરવા અંગે ખાસ સૂચન કર્યું હતું.